Site icon Revoi.in

ચંદ્રયાન-3 પર ISRO એ આપ્યું મોટું અપડેટ,શું આપ્યું અપડેટ અહીં વાંચો

Social Share

શ્રીહરિકોટા : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વૈજ્ઞાનિકોએ શનિવારે ચંદ્રયાન-3 અવકાશયાનને તેની ભ્રમણકક્ષામાં આગળ ધપાવવાનો પહેલો દાવપેચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. સ્પેસ એજન્સીએ આ જાણકારી આપી છે. ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અવકાશયાનની સ્થિતિ ‘સામાન્ય’ છે.

ISROએ કહ્યું, “ચંદ્રયાન-3 મિશનની તાજેતરની માહિતીઃ અવકાશયાનની સ્થિતિ સામાન્ય છે. પ્રથમ ભ્રમણકક્ષા વધારવાનો દાવપેચ ISTRAC/ISRO, બેંગલુરુ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો. અવકાશયાન હવે 41762 કિલોમીટર (કિમી) બાય 173 કિલોમીટરની ભ્રમણકક્ષામાં છે.

ISRO એ તેના ચંદ્ર સંશોધન કાર્યક્રમની ત્રીજી આવૃત્તિ 14 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરી હતી. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે, જેનું અત્યાર સુધી સંશોધન કરવામાં આવ્યું નથી.

માત્ર ત્રણ દેશો અમેરિકા, ચીન અને રશિયા અત્યાર સુધી ચંદ્રની સપાટી પર ઉતરવામાં સફળ થયા છે. અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઊતર્યા એ પહેલાં ઘણા અવકાશયાન ક્રેશ થયાં હતાં. 2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનારો ચીન એકમાત્ર દેશ છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ શુક્રવારે બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું. ચંદ્રયાનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી LVM3-M4 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું.

16 મિનિટ પછી, રોકેટે ચંદ્રયાનને પૃથ્વીની ઑર્બિટમાં છોડ્યું. ISRO ચીફ એસ સોમનાથે લોન્ચિંગ બાદ કહ્યું કે ચંદ્રયાન-3એ ચંદ્ર તરફની સફર શરૂ કરી દીધી છે. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે કરવામાં આવશે.