બેગ્લુરુ: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ તેના ચંદ્રયાન-3 મિશનની વધુ એક તસવીર જાહેર કરી છે. આ તસવીર ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધી છે. ચંદ્રયાન-2 ઓર્બિટરે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમની તસવીર મોકલી છે. 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું હતું.આ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવાનું પોતાનું મિશન શરૂ કર્યું છે. ઈસરો દ્વારા આજે જાહેર કરવામાં આવેલી નવી તસવીર ચંદ્રયાન-2ના ઓર્બિટરે પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. તસવીરમાં ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ સ્પષ્ટ દેખાય છે. લેન્ડર વિક્રમ અને રોવર 14 દિવસ સુધી ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે અને ત્યાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાને ઇસરોના કમાન્ડ સેન્ટર પર મોકલશે.
ચંદ્રયાન-2નું ઓર્બિટર છેલ્લા 4 વર્ષથી 100 કિમી x 100 કિમીની કક્ષામાં ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. ચંદ્રની સપાટી પરના લેન્ડરની આ તસવીરો ઓર્બિટર પર હાજર હાઇ રિઝોલ્યુશન કેમેરાથી 100 કિમીના અંતરેથી લેવામાં આવી છે. ઈસરોના જણાવ્યા અનુસાર ઓર્બિટર પરનો આ કેમેરા પૃથ્વી પરથી ચંદ્ર પર મોકલવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ કેમેરો છે.
આ તસવીરો પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે લેન્ડર વિક્રમે જે જમીન પર લેન્ડિંગ કર્યું છે તેનો મોટો ભાગ સપાટ છે, જેના કારણે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી અને ત્યાંના પર્યાવરણ વિશે સચોટ વૈજ્ઞાનિક ગણતરી કરવામાં ઘણી મદદ કરશે.
ચંદ્રયાન-3 માટે આગામી 14 દિવસ ખૂબ મહત્વના છે. કારણ કે ચંદ્ર પર એક ચંદ્ર દિવસ પૃથ્વી પર 14 દિવસ બરાબર હોય છે. રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી, માટી અને ખડકોના રાસાયણિક બંધારણની તપાસ કરશે. તે ધ્રુવીય ભૂપ્રદેશની નજીક ચંદ્રની સપાટી પર આયન અને ઇલેક્ટ્રોનની ઘનતા અને ઉષ્મીય ગુણધર્મોને માપશે. તેના કામ દરમિયાન રોવર લેન્ડર સાથે સંપર્કમાં રહેશે અને લેન્ડર ઈસરોના મિશન કમાન્ડ સેન્ટરને ડેટા પરત મોકલશે.