દિલ્હીઃ- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ઈસરો 26 માર્ચે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી વન વેબ ઈન્ડિયા-2 મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથેના વ્યાપારી કરાર હેઠળ, ઈસરો યુકે સ્થિત નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડના 72 ઉપગ્રહોને લોન્ચ કરશે અને તેમને લો-અર્થ ઓર્બિટમાં મૂકશે.
સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની વનવેબ માટે ઈસરોના કોમર્શિયલ યુનિટ ‘ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ’નું આ આ બીજું મિશન હશે. નેટવર્ક એક્સિસ એસોસિએટેડ લિમિટેડ એટલે કે વનવેબ યુકે સ્થિત કોમ્યુનિકેશન કંપની છે બ્રિટિશ સરકાર, ભારતીય કંપની ભારતી એન્ટરપ્રાઇઝ, ફ્રાન્સની યુટેલસેટ, જાપાનની સોફ્ટબેંક, અમેરિકાની હ્યુજીસ નેટવર્ક્સ અને દક્ષિણ કોરિયાની સંરક્ષણ કંપની હનવા તેના હિતધારકો છે. તે સેટેલાઇટ આધારિત સેવા પૂરી પાડતી કોમ્યુનિકેશન કંપની છે. તેનું હેડક્વાર્ટર લંડનમાં છે.
ગયા વર્ષે 23 ઓક્ટોબરે LVM3M2 લોન્ચ વ્હીકલ દ્વારા 36 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા ત્યારે હવે તેના બીજા મિશન હેઠળ 26 માર્ચે LVM3 M3 લોન્ચ વ્હીકલ દ્વારા લગભગ પાંચ હજાર આઠસો પાંચ કિલોગ્રામ વજનના 36 ઉપગ્રહોને 450 કિલોમીટરની ગોળાકાર લો-અર્થ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
ઈસરોના મિશન સાથે, વનવેબ પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં 600 થી વધુ ઉપગ્રહોના સમૂહને પૂર્ણ કરવાનું લક્ષ્ય પણ હાંસલ કરશે. આનાથી અવકાશથી લઈને વિશ્વના દરેક ખૂણે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો માર્ગ મોકળો થશે.
ઈસરોનું આ પ્રક્ષેપણ મિશન વૈશ્વિક કવરેજ મેળવવાની દ્રષ્ટિએ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ઈસરો સાથેના આ છેલ્લી પ્રક્ષેપણ સાથે, અવકાશમાં 600 થી વધુ ઉપગ્રહ હશે. આ રીતે, ઇસરો પાસે વનવેબ માટે બીજું મિશન હશે, પરંતુ અવકાશમાંથી ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે વનવેબનું આ 18મું લોન્ચિંગ હશે.
ઉલ્લેખનીય છે કે LVM3 એ ચંદ્રયાન-2 મિશન સહિત પાંચ સફળ મિશન કર્યા છે. ઉપગ્રહો વિશ્વના વિવિધ ભાગોમાં સ્પેસ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરે છે. લોન્ચ થયા બાદ એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ પાસે અંતરિક્ષમાં છસોથી વધુ ઉપગ્રહો હશે, જે વિવિધ દેશોને અંતરિક્ષ સેવાથી ઈન્ટરનેટ પ્રદાન કરશે.