ભારતીય ક્રિકેટ ચીમ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, અહીં બને દેશની ટીમો વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 1996માં થઈ હતી. તે પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શ્રેણીમાં કુલ 56 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 24 વખત જીત મેળવી છે અને કાંગારૂ ટીમ 20 વખત જીતી છે. 28 વર્ષથી આ ટ્રોફી ખેલાડીઓ અને પ્રશંસકો માટે મનોરંજનનો મોટો સ્ત્રોત બની રહી છે, જેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.
- વિરાટ સચિનથી ઘણો પાછળ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી સચિન તેંડુલકર છે, જેણે 34 મેચની 65 ઇનિંગ્સમાં 3,262 રન બનાવ્યા હતા. તેંડુલકર એવરેજની દ્રષ્ટિએ પણ આ શ્રેણીના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક હતો. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 9 સદી અને 16 અડધી સદી રમી હતી જ્યારે તેણે 56.24ની એવરેજથી રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીની વાત કરીએ તો BGT ઈતિહાસમાં તેણે અત્યાર સુધી 24 મેચોની 42 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે. આ શ્રેણીના ઈતિહાસમાં તેણે 48.26ની એવરેજથી 1,979 રન બનાવ્યા છે. આ સિવાય તેણે આ સિરીઝના ઈતિહાસમાં 8 સદી અને 5 અર્ધસદી પણ ફટકારી છે, પરંતુ સચિનની સરખામણીમાં તે ઘણો પાછળ ઉભો હોય તેવું લાગી રહ્યું છે.
- વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ બનાવી શકે છે
હાલમાં રમી રહેલા ક્રિકેટરોની વાત કરીએ તો બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ચેતેશ્વર પૂજારાના નામે છે, જેણે જૂન 2023 પછી ટીમ ઈન્ડિયા માટે કોઈ ટેસ્ટ મેચ રમી નથી. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 24 મેચોમાં 2,033 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલી આ મામલે તેનાથી માત્ર 54 રન પાછળ છે. વિરાટ એકવાર 54 રન બનાવ્યા પછી, તે આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર સક્રિય ખેલાડી બની જશે. આ લિસ્ટમાં તેના પછી સ્ટીવ સ્મિથનો નંબર આવે છે, જેણે હાલમાં 18 મેચમાં 1,887 રન બનાવ્યા છે.