અમદાવાદઃ કોરોના કાળ કપરો રહ્યો, અનેક લોકાની રોજગારી છીનવાઈ ગઈ હતી. ઉદ્યોગ-ધંધા અને વેપાર વણજ પણ ઠપ થઈ ગયો હતો. આથી નાણાંની જરૂરીયાત તથા અનિશ્ચીત પરિસ્થિતિમાં લોકોએ મોટા પાયે સોનાનું વેંચાણ કર્યું હતું. સમગ્ર દેશમાં સોનુ વેચાયું તેમાંથી 20 ટકાનું વેચાણ માત્ર ગુજરાતમાં થયુ હોવાનો ખુલાસો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશન દ્વારા ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન લોકોએ 22 ટન સોનું વેચી નાખ્યુ હોવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં રીપોર્ટમાં એમ દર્શાવાયું છે કે ભારતમાં એપ્રિલ 2020 થી જાન્યુઆરી 2021 ના દસ મહિનાના સમયગાળામાં 111.5 ટન સોનાનું વેચાણ કરીને લોકોએ રોકડ નાણાં મેળવ્યા હતા.
ઈન્ડિયા બુલીયન એન્ડ જવેલર્સ એસો.એ એવુ અનુમાન બાંધ્યુ છે કે તેમાંથી 20 ટકા અર્થાત 22 ટન જુનુ સોનુ ગુજરાતનાં લોકોએ વેચ્યુ હતું. કોરોના લોકડાઉનને પગલે સંખ્યાબંધ લોકોને નોકરી ગુમાવવી પડી હતી અથવા આવકના સ્ત્રોતને ફટકો પડતા રોજીંદો ખર્ચ કાઢવાનું મુશ્કેલ બન્યુ હતું. અને તે માટે સોનુ અથવા દાગીના વેચીને રોકડા નાણા મેળવ્યા હતા. ભારતમાં વેચાયેલા કુલ જુના સોનામાંથી 20 ટકા વેચાણ માત્ર ગુજરાતમાં થયાનો એસો.ના સૂત્રોએ દાવો કર્યો હતો.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે જુના સોનાના બદલામાં નવુ સોનું કે દાગીના લેવામાં 120 ટનનાં વ્યવહારો થયા હતા. આ ગોલ્ડ રિસાયકલીંગમાં પણ 15 ટકાની વૃધ્ધિ થઈ હતી. અર્થાત નવા સોનાની ખરીદી રોકડથી કરવાના બદલે જુનુ સોનુ આપીને નવુ કરવાનો ટ્રેન્ડ જણાયો હતો. વ્યકિતગત-ઘરખર્ચ તથા સંભવિત તબીબી ખર્ચની ગણતરી રાખીને લોકો રોકડ નાણા ઓછા વાપરતા હતા. ઉપરાંત કોરોનાકાળનાં પ્રારંભે સોનામાં નાણા ઓછા વાપરતા હતા.
કોરોનાકાળનાં પ્રારંભે સોનામાં જોરદાર તેજી થઈ હતી તેનો લાભ લેવા પણ એક વર્ગે ઈન્વેસ્ટમેન્ટ માટે રાખેલુ સોનું વેચી નાખ્યુ હતું. કોરોનાની બીજી લહેર ગામડાઓ સુધી પહોંચી હતી અને ગ્રામ્ય લોકોએ ફરજીયાત સોનુ વેચવુ પડયુ હતું.રસપ્રદ બાબત એ છે કે ચાલુ વર્ષનાં પ્રથમ ત્રિમાસીક ગાળામાં જુનુ સોનુ વેચીને નવુ ખરીદવામાં 33 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. સોના સામે લોન લેવાનું પણ પ્રમાણ વધ્યુ હતું.