નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસૈ બહુમતી સમુદાયના લોકોને પોતાની સાથે લાવવા પડશે. ચૂંટણીમાં માત્ર લઘુમતી કોમના સહારે જીતવું અશક્ય છે. તેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા એ.કે.એન્ટનીએ જણાવ્યું હતું.
કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય એન્ટનીએ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારતમાં બહુમતી કોમ હિન્દુ છે અને આ બહુમતી સમુદાયને નરેન્દ્ર મોદી સામેની લડાઈમાં સામેલ કરવા જોઈ, તમામ લોકોએ અત્યારથી જ 2024ની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, લઘુમત્તીઓને પોતાનો ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. જ્યારે હિન્દુ ધર્મના લોકો મંદિર જાય છે, જ્યારે તિલક લગાવે છે તો તેમણે એક સોફ્ટ હિન્દુત્વ વિચારધારાવાળા લોકોના રૂપમાં જોવામાં આવે છે. આ રણનીતિ યોગ્ય નથી. કોંગ્રેસ હિન્દુઓ સાથે લઘુમતીઓને પાર્ટીમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈ. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વની લાઈન ઉપર નહીં ચાલશે. તેનાથી માત્રને માત્ર મોદીને જ ફાયદો થશે. જેનું તમામે ધ્યાન રાખવું જોઈએ.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસ ધીમે-ધીમે હાંસિયામાં ધકેલાઈ રહી છે. બીજી તરફ ભાજપ એશિયાનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો છે. એટલું જ નહીં સ્થાનિક રાજકીયપક્ષો પણ કોંગ્રેસને ભારે પડી રહ્યાં છે. તેમજ વર્ષોથી કોંગ્રેસ ઉપર મુસ્લિમોના તૃષ્ટીકરણમાં આરોપ લાગી રહ્યાં છે. બીજી તરફ હિન્દુ ધર્મના કેટલાક સમાજ અને સંપ્રદાય કોંગ્રેસથી દૂર થઈ ગયા છે. જેથી હવે કોગ્રેસે પણ ભાજપાને સત્તાથી દૂર કરવા અને હિન્દુ મતદારોને આકર્ષવા માટે નવી રણનીતિ ઘડવાની તૈયારીઓ શરૂ કરી છે.