જયપુર: રાજસ્થાનમાં એક પતિએ પોતાની પત્નીના અપહરણની ફરિયાદ કરી હતી. પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો પત્નીએ કહ્યું કે તેનું કોઈએ અપહરણ કર્યું નથી. પરંતુ તે પોતાની મરજીથી તે શખ્સ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે, કે જેની વિરુદ્ધ તેના પતિએ મામલો નોંધાવ્યો છે. આના પર રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે આ કોઈ ગુનો નથી.
રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે લગ્નથી ઈતર જ્યારે બે પુખ્તવયના લોકો સંમતિથી સંબંધ બનાવે છે, તો આ કોઈ કાયદાકીય રીતે ગુનો નથી. જો કે તેને અનૈતિક માનવામાં આવે છે. હાઈકોર્ટે પતિની અરજીને ફગાવતા કહ્યું છે કે આઈપીસીની કલમ-497 હેઠળ વ્યભિચાર અપવાદ હતો, જેને પહેલા જ રદ્દ કરી દેવામાં આવી છે. જસ્ટિસ બીરેન્દ્ર કુમારે કહ્યુ છે કે આઈપીસીની કલમ-494 (દ્વિવિવાહ) હેઠળનો મામલો બનતો નથી, કારણ કે બંનેમાંથી કોઈએ પતિ અથવા પત્નીના જીવનકાળમાં બીજા લગ્ન કર્યા નથી. જ્યાં સુધી લગ્ન સાબિત થાય નહીં, ત્યાં સુધી લિવ ઈન રિલેશનશિપ કલમ-494 હેઠળ આવતી નથી.
અરજદારે એ આરોપ લગાવતા મામલો નોંધાવ્યો હતો કે તેની પત્નીનું એક શખ્સે કિડનેપિંગ કર્યું છે. તેના પછી તેની પત્ની કોર્ટમાં એફિડેવિટ સાથે રજૂ થઈ. ત્યાં તેણે કહ્યુ કે કોઈએ તેનું અપહરણ કર્યું નથી, પરંતુ તેની મરજીથી આરોપી સંજીવ સાથે લિવ ઈન રિલેશનમાં છે. તેના પર કોર્ટે કહ્યું કે આઈપીસીની કલમ-366 હેઠળ ગુનો થયો નથી અને એફઆઈઆર રદ્દ કરવામાં આવે છે.
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ આપી હતી કે મહિલાએ સ્વીકાર કર્યો છે કે તે સંજીવ સાથે લગ્નેત્તર સંબંધ ધરાવે છે, માટે આઈપીસીની કલમ-494 અને 497 હેઠળ ગુનો બને છે. વકીલે સામાજીક નૈતિકતાની સુરક્ષા માટે કોર્ટને અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના એક આદેશને ટાંકતા સિંગલ બેન્ચે કહ્યુ કે આ સાચું છે કે આપણા સમાજમાં મુખ્યપ્રવાહનો વિચાર એ છે કે શારીરિક સંબંધ માત્ર લગ્નબંધનથી જોડાયેલા યુગલો વચ્ચે થાય, પરંતુ જ્યારે લગ્નથી ઈતર બે પુખ્તો સંમતિથી સંબંધ બનાવે છે, તો તે અપરાધ નથી. જો કે તેને અનૈતિક સમજવામાં આવે છે.
કોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે એક પુખ્ત મહિલા જેની સાથે ચાહે તેની સાથે લગ્ન કરી શકે છે. જેની સાથે ચાહે રહી શકે છે. અરજદારની પત્નીએ એક આરોપી વ્યક્તિ સાથે સંયુક્તપણે જવાબ દાખલ કરતા કહ્યુ છે કે તેણે પોતાની મરજીથી ઘર છોડયું અને સંજીવ સાથે સંબંધમાં છે.