દેશની તમામ મહત્વની ઘટનાઓ સુપ્રીમ કોર્ટમાં લાવવી જરૂરી નથીઃ ચીફ જસ્ટિસ
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં જમીન ધસવા મામલે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, દરેક મહત્વની વસ્તુઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાય તે જરૂરી નથી. આ મામલે ચુંટાયેલી સરકાર પહેલાથી કામમાં જોડાયેલી છે. લોકતાંત્રિક સરકાર પહેલાથી જ આ સમસ્યાના નિરાકરણમાં કામગીરી કરી રહી છે. અમે આપની ચિંતા સમજીએ છીએ. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી તા. 16મી જાન્યુઆરીએ હાથ ધરાશે પરંતુ હાલ સુનાવણી કરવી શક્ય નથી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડએ કહ્યું હતું કે, તમામ મુદ્દાઓ માટે સુપ્રીમ કોર્ટ જ એક માત્ર જગ્યા નથી. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, સીજેઆઈએ કહ્યું હતું કે, દેશમાં જે પણ મહત્વના મુદ્દા છે તે અમારી સામે આવવા જરુરી નથી. એટલે લોકતાંત્રિક અને ચુંટાયેલી સંસ્થા હાજર છે અને તેમના કન્ટ્રોલમાં જે કાંઈ આવે છે, તે તેમાં ડીલ કરી શકે છે. અમે આ મામલે 16મી જાન્યુઆરીએ સુનાવણી કરીશું. આ પહેલા સીજેઆઈએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીની અરજી પર સુનાવણીને લઈને તારીખ આપવાનો ઈન્કાર કર્યો હતો.
સ્વામીજીએ અરજીમાં રજુઆત કરી હતી કે, જે રીતે જોશીમઠમાં સંકટ જોવા મળે છે. જેને રાષ્ટ્રીય આપદા જાહેર કરવી જોઈએ, તેમણે માંગણી કરી હતી કે, જોશીમઠમાં લોકોને રાહત આપવા અને પુનર્સ્થાપન માટે પ્રયાસો કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટ મારફતે એનડીએસએને આદેશ આપવો જોઈએ કે તેઓ લોકોની મદદ માટે આગળ આવે. મોટા પ્રમાણમાં ઉદ્યોગ લગાવતા આ પરિસ્થિતિ ઉભી થયાનો પણ અરજીમાં આક્ષેપ કરાયો હતો.