નવી દિલ્હીઃ આસામ, યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં ગુનેગારોના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી વચ્ચે ગૌહાટી હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ ફોજદારી કાયદા હેઠળ ઘરો પર બુલડોઝર ચલાવવાની કોઈ જોગવાઈ નથી. ભલે કોઈ તપાસ એજન્સી કોઈપણ અત્યંત ગંભીર બાબતની તપાસ કરતી હોય.
ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આરએમ છાયાએ આ ટિપ્પણી આસામના નાગાંવ જિલ્લામાં આગજનીના કેસમાં એક આરોપીના ઘરને તોડી પાડવાની સુનાવણી દરમિયાન કરી હતી. હાઈકોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. 21 મેના રોજ સ્થાનિક માછલી વેપારી સફીકુલ ઈસ્લામ (39)ના કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ બટાદ્રાવા પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. આગ ચાંપવાની ઘટનાના એક દિવસ બાદ તંત્રએ ઈસ્લામના ઘર સહિત છ જેટલા મકાન ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી હથિયારો અને ડ્રગ્સની તપાસ વખતે કરાઈ હતી.
જસ્ટિસ છાયાએ કહ્યું કે જો ખૂબ જ ગંભીર મામલાની તપાસ થઈ રહી હોય તો પણ ઘર તોડી પાડવું એ કોઈ ફોજદારી કાયદાના દાયરામાં નથી આવતું. બુલડોઝર વડે મકાનો તોડી પાડવા સામે સખત વાંધો વ્યક્ત કરતાં જસ્ટિસ છાયાએ કહ્યું કે, ‘ઘરની તલાશી લેવા માટે પરવાનગી જરૂરી છે. કાલે તમે મારા કોર્ટરૂમને ખોદી નાખશો. તેમણે કહ્યું કે તપાસના નામે કોઈનું ઘર તોડવા દેવામાં આવશે તો કોઈ સુરક્ષિત નહીં રહે. છેવટે, દેશમાં લોકશાહી છે.
ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા મુજબ, ઘર તોડી પાડવા દરમિયાન 0.9 એમએમની પિસ્તોલ મળી આવી હતી. આ પિસ્તોલ ત્યાં રાખવામાં આવી હોવાની પણ આશંકા છે. તેમણે કહ્યું કે ઘરો પર બુલડોઝિંગના આવા દ્રશ્યો ફિલ્મોમાં બને છે, પરંતુ તેમાં પણ કાર્યવાહી પહેલા સર્ચ વોરંટ બતાવવામાં આવે છે. જસ્ટિસ છાયાએ ઘરો પર બુલડોઝિંગને ‘ગેંગ વોર’ ગણાવ્યું અને આસામના ગૃહ વિભાગને તપાસની વધુ સારી પદ્ધતિઓ શોધવાનો નિર્દેશ આપ્યો.