વિદ્યાર્થીને વિકસિત ભારતનો ભાગ્યવિધાતા બનાવવાની જવાબદારી શિક્ષક સમુદાયનીઃ મુખ્યમંત્રી
અમદાવાદઃ ‘શિક્ષક દિવસ’ નિમિતે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’-૨૦૨૩ સમારોહ યોજાયો. સમારોહમાં રાજ્યના 34 જેટલા શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિક્ષક દિન નિમિત્તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે આયોજિત ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં રાજ્યના 34 જેટલા શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓનું તેમના ઉત્કૃષ્ટ દેખાવ માટે સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન આપતાં જણાવ્યું કે, આજનો દિવસ શિક્ષણથી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકોની કાર્યનિષ્ઠા અને ઉત્તમ કામગીરીને બિરદાવવાનો દિવસ છે. તેમણે ઉમેર્યું કે આજના વિદ્યાર્થીને અમૃતકાળમાં વિકસિત ભારતનો ભાગ્યવિધાતા બનાવવાની જવાબદારી સમગ્ર શિક્ષક સમુદાયની છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ અનેક નવીન પહેલ થકી શિક્ષણ ક્ષેત્રે આવેલ ગુણાત્મક પરિવર્તનની રૂપરેખા રજૂ કરી હતી.
આ અવસરે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરીને પ્રેરિત કર્યા હતા તેમજ તેમણે વધુમાં આ વિષે વાત કરતાં જણાવ્યું કે, માતાપિતા બાળકને જન્મ આપે, જ્યારે શિક્ષક તેને જીવન આપે છે. જ્ઞાનવિજ્ઞાનની 21મી સદીનું નેતૃત્વ ભારત કરે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે ત્યારે આજનો વિદ્યાર્થી વર્ષ 2047ના વિકસિત ભારતનો ભાગ્યવિધાતા બને તે માટે શિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્ત્વની બની રહેશે. શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સાથી મંત્રીઓ અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે ઉમદા યોગદાન આપનાર શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. શિક્ષણકાર્ય થકી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકોની કાર્યનિષ્ઠાને બિરદાવી હતી.