ભાવનગરના ઘોઘા- હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસ ક્યારે શરૂ થવાની છે,તે હજુ નક્કી નથી
ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી દહેજ અને હજીરા વચ્ચે શરૂ કરાયેલી રો-રો ફેરી સર્વિસને ગ્રહણ લાગ્યું હોય તેમ હવે ક્યારે શરૂ થશે તે નક્કી નથી. ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે ગત વર્ષે શરૂ કરવામાં આવેલી રો-પેક્સ ફેરી સર્વિસને બહોળો પ્રતિસાદ મળ્યા બાદ મરામતમાં મોકલવામાં આવેલા જહાજના એન્જીનની ટ્રાયલ ચાલુ છે અગાઉ સંચાલકો દ્વારા 15મી ઓક્ટોબરે ફેરી શરૂ થવાનું કહ્યુ હતુ પરંતુ હજુ તેની અનિશ્ચિતતાઓ છે.
ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસને ખૂબજ સારોએવો પ્રતિસાદ મળ્યો હતો અને મુસાફરોમાં ખૂબ લોકપ્રિય બની રહી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સડક માર્ગના અંતરને જળમાર્ગે ચાલતી રો-પેક્સ ફેરી સેવાએ ઘટાડી દીધુ છે. દિવાળીના તહેવારો દરમિયાન સુરતથી ભાવનગર-અમરેલી જિલ્લામાં મુસાફરોની આવન-જાવન ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. અને ગત વર્ષે આ સેવા પ્રભાવશાળી રહી હતી. પરંતુ આ વર્ષે રો-પેક્સ ફેરી શિપ વોયેજ સિમ્ફનીને મરામત માટે ડ્રાયડોકમાં મોકલવામાં આવ્યુ છે. પરંતુ ચોક્કસપણે હવે આ જહાજ ક્યારે શરૂ થશે તેના અંગે ઇન્ડીગો સી-વેઝના સંચાલકો પણ કહી શક્તા નથી, સંચાલકોના મતે વોયેજ સીમ્ફની જહાજનું મરામત કાર્ય પૂર્ણ થઇ ચૂક્યુ છે અને શિપના એન્જીનની ટ્રાયલ શરૂ છે. સંબંધિત સરકારી પ્રક્રિયાઓ બાદ તુરંત ફેરી શરૂ કરવામાં આવશે, આગામી તા. 15મી ઓક્ટોબરથી રો રો ફેરી સર્વિસ સરૂ થવાની હતી. પણ સત્તાવારરીતે ફેરી સર્વિસ ક્યારે શરૂ થવાની છે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રો-રો ફેરી સર્વિસ શરૂ થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે.