ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને 50 કરોડ ભરવા આઈટીની નોટિસ, CAએ કરેલી ભૂલ યુનિ.ને નડી
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને 50 કરોડ ભરવાની ઈન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી છે. યુનિવર્સિટીએ આઈટી રિટર્નની કામગીરી એક ખાનગી સીએ કંપનીને સોંપી હતી. કહેવાય છે. કે, વર્ષ 2017-18ના રિટર્ન ભરવામાં કેટલીક ક્ષતિ રહી હતી. અને જે અંગે આઈટી વિભાગે સ્પષ્ટતા માગતા ઈ-મેઈલ યુનિવર્સિટીને સમયાંતરે કર્યા હતા. પરંતુ યુનિ.ના એકાઉન્ટ વિભાગે કોઈ દરકાર લીધી નહતી. જેથી આઈટી વિભાગે 50 કરોડ ભરવા માટે નોટિસ ફટકારી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુને ઇન્કમટેક્સ વિભાગે 50 કરોડ ભરવાની નોટિસ આપી છે. જીટીયુએ વર્ષ 2017-18માં રિટર્ન ભરવા માટે ખાનગી કંપનીએ ભૂલ કરી હતી. જેના પરિણામે હવે યુનિને રૂપિયા 50 કરોડ ભરવાની નોબત આવી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ખાનગી કંપની અને GTUના એકાઉન્ટ વિભાગને મેઇલ કરી 5 વર્ષથી જાણ કરવામાં આવતી હતી. પરંતુ તેને ગણકારવામાં આવી નહોતી જીટીયુ દ્વારા ખાનગી ચાર્ટડ એકાઉન્ટન્ટ કંપનીને દર 3 વર્ષ માટે રાખવામાં આવે છે. વર્ષ 2017થી 2020 સુધી કંપની દ્વારા GTUનું આઈટી રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું હતું. 2017-18માં 12A હેઠળ રિટર્ન ભરવાનું હતું તેની જગ્યાએ 1023C હેઠળ ભૂલથી ભર્યું હતું. ખોટું રિટર્ન ભર્યા બાદ ઇન્કસટેક્સ વિભાગ દ્વારા GTUને ઇમેઇલ મારફતે જાણ કરવામાં આવી હતી. છતાંયે કોઈ દરકાર લેવામાં આવી નહતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જીટીયુને 2017થી સતત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા. યુનિ.ના એકાઉન્ટ વિભાગને ઈ-મેઇલ મળ્યા છતાં કોઈ જવાબ આપવામાં આવતો નહોતો. સતત 6 વર્ષ સુધી ઈ-મેઇલ મળ્યા છતાં કોઈ જવાબ ન આપતાં અંતે ઇન્કમટેક્સ વિભાગે GTUને 50 કરોડ ભરવાની નોટિસ આપી હતી. 50 કરોડ ના ભરવા અપીલમાં જવા માટે GTU દ્વારા 5.50 કરોડ રૂપિયા પણ ભર્યા છે. આ અંગે GTUના રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે, ખોટા ફોર્મ ભરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસની અપીલમાં જવા માટે 5.50 કરોડ ફી ભરી છે. GTUના એકાઉન્ટ વિભાગને ઈ-મેઇલ આવતા હતા કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. ભૂલ હશે તો પૈસા ભરવાના થશે તો GTU જ પૈસા ભરશે.