Site icon Revoi.in

ચેરિટેબલ ટ્રસ્ટોને મોટા દાન આપીને કરચોરી કરી હોવાની શંકાએ 8000 કરદાતાને આઈટીની નોટિસ

income tax
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઈન્કમ ટેક્સ વધુ ભરવો ન પડે તે માટે કેટલાક વેપારીઓ તેમજ મોટા પગારદારો કોઈને કોઈ રસ્તો શોધી લેતા હોય છે. કેટલાક નકલી રાજકીય પક્ષોને દાન આપીને ઈન્કમટેક્સ બચાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ હવે આઈટીના અધિકારીઓએ ચેરીટેબલ ટ્રસ્ટ્રોને મળી રહેલા દાનની પણ ચકાસણી શરૂ કરી છે.ચેરિટેબલ ટ્રસ્ટોને મોટા પ્રમાણમાં દાન આપી કરચોરી કરાતી હોવાની શંકાએ આવકવેરા વિભાગે રાજ્યના લગભગ 8 હજાર કરદાતાને નોટિસ ફટકારી છે. આઈટી વિભાગના વિશ્લેષણ મુજબ કેટલાક કરદાતાઓએ તેમની આવક અને ખર્ચની તુલનાએ ચેરિટેબલ ટ્રસ્ટોને ઘણું મોટું દાન આપ્યું છે. દાન આપનારા પગારદાર વર્ગના કરદાતાની વિગતોનું પણ વિભાગ ‌‌વિશ્લેષણ કરી રહ્યો છે.

ઈન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2017-18 થી 2020-21 સુધીના આકારણી વર્ષ માટે ચેરીટીબલ ટ્રસ્ટોને દાન આપનારા 8 હજાર કરદાતાએ ટેક્સનો સ્લેબ ઘટાડવા અથવા સંપૂર્ણ કરમુક્તિ મેળવવા માટે જરૂરી રકમ રોકડમાં ચૂકવી હોવાનું વિશ્લેષણમાં પકડાયું છે. ટેક્સ અધિકારીના કહેવા મુજબ પગારદાર કરદાતાએ ટેક્સ પ્રોફેશનલ્સને અપવાદરૂપે ઊંચી રકમ ચૂકવી હતી. પગારદાર કરદાતાઓના ટેક્સની વિગતોને આધારે જે ટ્રસ્ટોને દાન મળ્યું હતું તેમને શોધીને નોટિસ ફટકારવામાં આવી છે. આઈટીના અધિકારીઓ ચેરીટેબલ ટ્રસ્ટોને મળેલા દાની સ્ક્રુટીની કરી રહ્યા છે. અને આગામી સપ્તાહમાં વધુ નોટિસ પાઠવવામાં આવી શકે છે.

આઈટીના એક અધિકારીએ કહ્યું હતું કે, મોટાભાગે ચેરિટેબલ ટ્રસ્ટને ચૂકવવામાં આવતી રકમ વ્યવસાયોના કિસ્સામાં આવક સાથે મેળ ખાતી ન હતી. વિભાગ એવા ચેરિટેબલ ટ્રસ્ટોને ધ્યાન પર લીધા છે, જે કરદાતાઓને નકલી રસીદ ઓફર કરી રહ્યાં હતા. જે પગારદાર કરદાતાએ ચેરિટેબલ ટ્રસ્ટોને મોટું દાન આપ્યું હતું. તેવા ટ્રસ્ટના રિટર્ન ઉપરથી અન્ય લોકો સુધી આવકવેરા વિભાગ પહોચ્યો છે. આવા કરદાતાઓને પણ ટૂંક સમયમાં નોટિસ પાઠવવામાં આવશે. વધુ તપાસ ટ્રસ્ટને આપવામાં આવેલી નોટિસના જવાબ ઉપરથી થશે. અગાઉ બોગસ રાજકીય પક્ષોને ડોનેશન આપનારાને નોટિસ અપાઈ હતી.