રાજકોટમાં જ્વેલર્સ જૂથ ઉપર આઈટીના દરોડામાં કરોડોની રોકડ મળી, 25 બેંક લોકર સીલ
અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં જાણીતી બે જ્વેલર્સ સંસ્થા ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. આઈટીના દરોડામાં લગભગ ચાર કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત આવકવેરા વિભાગના અધિકારીઓએ બંને જૂથના વિવિધ બેંકમાં આવેલા લગભગ 25 જેટલા લોકર સીલ કર્યાં હતા. આવકવેરા વિભાગના દરોડાના આંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગની 20થી વધારે ટીમોએ રાજકોટના સોની બજારમાં કાર્યરત બે બેઢી ઉપર દરોડા પાડ્યાં હતા. આવકવેરા વિભાગના દરોડાના પગલે સોની વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓએ પેઢી સંચાલકની ઓફિસ, વ્યવસાયના સ્થળ અને નિવાસસ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાં હતા. આ ઉપરાંત રૂ. 4 કરોડની રકમ જપ્ત કરવામાં આવી હતી. એટલું જ નહીં 25 જેટલા બેંક લોકર સીલ કરવામાં આવ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, બંને જૂથના સંચાલકોએ જમીનમાં મોટાપાયે રોકાણ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં બે હજારની નોટ પરત ખેંચવાના નિર્ણય બાદ સોની બજારમાં મોટી રકમથી સોનાનું વેચાણ કરાયું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ઇન્કમ ટેક્સ વિભાગની રડારમાં આ વેપારીઓ આવ્યા હોવાની શક્યતા છે. દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગને કેટલીક હિસાબી એન્ટ્રીઓ પણ મળી આવી છે જેના કારણે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગની તપાસમાં કરોડોની કરચોરી સામે આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.