Site icon Revoi.in

રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જૂથ ઉપર ITના દરોડા, 25 કરોડથી વધુની રોકડ જપ્ત

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. 45 સ્થળો ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ-સર્વેની કામગીરી કરતા અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાય ફેલાયો છે. દરોડા દરમિયાન રૂ. 25 કરોડથી વધુની બિનહિસાબી રોકડ અને રૂ. 5 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. દરોડાના અંતે આ જૂથ પાસેથી કરોડોની કરચોરી ઝડપાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

આવકવેરા વિભાગે ઉત્તર ભારતમાં સક્રિય એક અગ્રણી રિયલ એસ્ટેટ જૂથના ઉપર દરોડા પાડ્યાં હતા. દિલ્હી અને એનસીઆર, ચંદીગઢ, લુધિયાણા, લખનૌ અને ઈન્દોરમાં 45થી વધુ જગ્યાઓ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ-સર્વેની કામગીરી કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન હાર્ડ કોપી દસ્તાવેજો અને ડિજિટલ ડેટા સહિત મોટી સંખ્યામાં ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા પુરાવાઓમાં 10 વર્ષથી વધુ સમયથી વિવિધ ગ્રાહકો પાસેથી જૂથની બિનહિસાબી ‘ઓન-મની’ રોકડ રસીદનો ડેટા છે. વિવિધ પ્રોજેક્ટ્સના મુખ્ય કર્મચારીઓ/વ્યવસાયના વડાઓએ જૂથની મોડસ ઓપરેન્ડી દર્શાવી છે અને સ્વીકાર્યું છે કે જૂથે તેના ગ્રાહકો પાસેથી ‘ઓન-મની’ બિનહિસાબી રોકડ સ્વીકારીને બિનહિસાબી આવક ઊભી કરી છે જે એકાઉન્ટના નિયમિત પુસ્તકોમાં નોંધાયેલ નથી. અત્યાર સુધીમાં રૂ. 3,000 કરોડથી વધુની આવી ‘ઓન-મની’ પ્રાપ્તિના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.  પુરાવાઓના અવલોકનથી વધુ જાણવા મળે છે કે તેમાં એવા રોકાણકારોની વિગતો છે કે જેમની પાસેથી જૂથને રૂ. 450 કરોડની રોકડ લોન મળી છે. સર્ચ કાર્યવાહીમાં રૂ. 25 કરોડથી વધુની બિનહિસાબી રોકડ અને રૂ. 5 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. તદુપરાંત, 11 લોકર અંકુશ હેઠળ મૂકવામાં આવ્યા છે અને તેને હવે સંચાલિત કરાશે.