- અમદાવાદમાં વરસાદી માહોલ
- શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
- લોકોને મુશ્કેલીનો કરવો પડ્યો સામનો
અમદાવાદમાં ગઈ કાલે રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો.અમદાવાદમાં સિઝનમાં 30 ઇંચની જરૂરિયાત હોય છે. છેલ્લા 1 સપ્તાહમાં 7.5થી 8 ઇંચ વરસાદ થવા સાથે સિઝનનો લગભગ 26 ટકા વરસાદ અઠવાડિયામાં જ થયો છે. શુક્રવારે સવારે 10.30ની આસપાસ વરસાદ શરૂ થયો હતો. આકાશ એ હદે ગોરંભાયું હતું કે સવારે 11.30 એ પણ અંધારું છવાઈ ગયું હતું અને વાહનોની લાઈટો ચાલુ કરવી પડી હતી. પાલડી અને વાસણામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતાં કેટલાક વિસ્તારમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા હતા. 22થી 24 ઓગસ્ટ સુધી શહેરમાં 2 ઇંચ સુધીના વરસાદની આગાહી છે.
આ ઉપરાંત શહેરમાં સોમવારની મોડીરાતથી જ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારો જેમકે એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલમાં વીજળીના ભયંકર અવાજ સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે અમદાવાદમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પર નજર નાંખીએ તો, અમદાવાદ જિલ્લામાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સોમવારે અમદાવાદ શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ અમદાવાદમાં વરસાદની આગાહીને પગલે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જઇ શકે છે. આ સાથે રાજ્યમાં પણ આગામી 24 કલાકમાં વરસાદનું જોર યથાવત રહેશે. પંચમહાલ, મહીસાગર,નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની પણ આગાહીની શક્યતા છે.