અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં 79 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પોરબંદર, સુત્રાપાડા અને સંતરામપુર, વીજાપુર, કોડીનાર, વડાલી અને કડાણા તાલુકામાં લગભગ બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આમ રાજ્યમાં સીઝનનો કુલ 78.97 ટકા વરસાદ પડી ચુક્યો છે.
રાજ્યમાં સૌથી વધુ કચ્છમાં 126.23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 78.97 ટકા, જયારે સૌરાષ્ટ્રમાં 75.55 ટકા કુલ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી અને પોરબંદરમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
આગામી ચાર દિવસમાં વરસાદનું જોર વધી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. રાજ્યમાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ વરસ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી.