અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને લીધે રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સમી સાંજે અસહ્ય બફારા બાદ અમદાવાદ, વડોદરા, સુરત તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદ શહેરમાં સમી સાંજે સેટેલાઈટ, જીવરાજ પાર્ક, ઘાટલોડિયા, બોપલ,ચાંદખેડા, તથા પૂર્વના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
તાઉ-તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર છે. જે ગુજરાતના દરિયા કિનારે 17 તારીખે પહોંચશે અને 18મીએ સવારે પોરબંદરથી લઇને ભાવનગરના મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે અને વાવાઝોડાની ગતિ 160 કિ.મી. પ્રતિ કલાક કે તેથી વધારે રહી શકે છે. જોકે તાઉ-તેના સંકટના પગલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરત શહેર અને જિલ્લામાં બફારા બાદ વરસાદ શરૂ થયો હતો. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અમીછાટણા થતા ઠંડક પ્રસરી ગઇ હતી. દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં પણ પૂરપાટ ઝડપે પવન ફૂંકાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભારે પવન સાથે વરસાદના કારણે માંડવીમાં પતરાં ઉડી ગયા હતા. જ્યારે સુવાલી દરિયાકિનારે દુકાનોના શેડ તૂટી ગયા હતા. વાવઝોડુ ત્રાટકવાની અગમચેતીના ભાગરૂપે અમદાવાદ ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
વડોદરામાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જેને પગલે વડોદરા જિલ્લા તંત્ર સજ્જ થઇ ગયું છે. વડોદરા જિલ્લા કલેક્ટરે તંત્રના તમામ વિભાગો સાથે કરી ઓનલાઇન બેઠક કરીને સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
અમદાવાદ શહેરમાં રવિવારે બપોર બાદ ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતા દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદીઓએ થોડી રાહત અનુભવી હતી. શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે હજુ 20 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે.