Site icon Revoi.in

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં જન્માષ્ટનીના રોજ સાંજના સમયે વરસાદ પડ્યા બાદ આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જેને પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. સુભાષબ્રિજ, શાહીબાગ, નરોડા, એરપોર્ટ, નિકોલ, વાડજ, માધુપુરા, આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. શહેરમાં શરૂ થયેલા વરસાદને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદ શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં આજે મંગળવારે દિવસ દરમિયાન 126 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા જેમાં સૌથી વધુ વલસાડના ઉંમરગામમાં 11 ઈંચ વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદના  ભારે ઝાપટાં પડ્યા હતા. જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ થવાનો છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે. તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.