Site icon Revoi.in

વડોદરામાં 4 બિલ્ડર ગૃપ અને તેના પાર્ટનર સહિત 20 સ્થળોએ આઈટીનું સર્ચ

Social Share

વડોદરાઃ શહેરના 4 જેટલા બિલ્ડરો અને તેના ભાગીદારો સહિત 20 સ્થળોએ ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ સાગમટે દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરના રત્નમ ગ્રુપ સહિત ચાર જેટલા બિલ્ડર ગ્રુપને ત્યાં આઈટી અધિકારીઓ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતુ. જેમાં  આવકવેરા વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા હતા. આઈટીના સર્ચ દરમિયાન કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળું નાણું બહાર આવે તેવી શક્યતા છે.

વડોદરા શહેરના જાણીતા રત્નમ ગ્રુપ સહિત ચાર બિલ્ડર ગ્રુપ ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સર્ચની કામગીરી હાથ ધરી હતી. શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસ્થાન તેમજ વુડા સર્કલ પાસે આવેલી ઓફિસ સહિત 20 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત બિલ્ડર  ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત વડોદરા શહેરના હાઈવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો ચાલી રહી છે એવા બે બિલ્ડર ગ્રુપને ત્યાં પણ આઈટી વિભાગના અધિકારીઓએ સર્ચ હાથ ધર્યુ હતુ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરા વિભાગે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ, સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની ટીમો જોડાઈ હતી.. દરોડા દરમિયાન બિલ્ડર ગ્રુપો પાસેથી કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળું નાણું ઝડપાય તેવી શક્યતા છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમોએ બેનામી નાણાકીય વ્યવહારોની માહિતી તેમજ બિલ્ડર ગ્રુપ દ્વારા કરવામાં આવેલા જમીનોની ખરીદ-વેચાણ અને તેમાં થયેલા બેનામી વ્યવહારોની માહિતી મેળવી છે. સાથે મહત્વના દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં કોમ્પ્યુટરો તેમજ અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધર્યાના અહેવાલો મળી રહ્યા છે.