Site icon Revoi.in

પોલીસ કર્મચારીઓને પબ્લિક સિક્યોરીટી ઈન્સેન્ટીવ આપવાનું જાહેર કરવામાં આવ્યું

Social Share

અમદાવાદઃ પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગણીને લઇને અનેક આંદોલન કરવામાં આવ્યા હતા. જેના પગલે બનાવવામાં આવેલી ખાસ સમિતિએ કરેલી ભલામણ મુજબ ગ્રેડ પેના બદલે પબ્લિક સિક્યોરીટી ઈન્સેન્ટીવ એટલે જાહેર સુરક્ષા પ્રોત્સાહનના નામે એલઆરડીથી માંડીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દરજ્જાના પોલીસ કર્મચારીને રૂપિયા 3,500થી લઇ 5,000 રૂપિયાનો માસિક વઘારો આપવાનો નિર્ણય કરાયો છે.  જે અંગે ગૃહ વિભાગમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રેડ પેની માંગણી કરવામાં આવી રહી હતી. જેથી સરકાર દ્વારા ગ્રેડ પે મામલે વિચારણા કરવા માટે એક વિશેષ સમિતીની રચના કરવામાં આવી હતી. જેમને પોલીસ કર્મચારીઓની માંગણી અંગે વિવિધ પાસાઓને ધ્યાનમાં લઇને હકારાત્મક રસ્તો કાઢવા માટે સુચના આપવામાં આવી હતી.

જે  બાદ સમિતીએ પોલીસની ખાસ ભથ્થાની માંગણી સહિતની અનેક બાબતોને ચર્ચા કર્યા બાદ  જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળ પ્રતિમાસ વિશેષ રકમ આપવા સુચન કર્યુ હતું. જેને ગૃહ વિભાગે માન્ય રાખીને સોમવારે સત્તાવાર રીતે ઠરાવ પસાર કરીને અમલમાં મુકવાની જાહેરાત કરી હતી. જે અનુસંધાનમાં ફીક્સ પે ધરાવતા એલઆરડીને રૂપિયા 3,500, પોલીસ કાન્સ્ટેબલને રૂપિયા 4,000 ,  હેડ કોન્સ્ટેબલને રૂપિયા 4,500 અને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટરને રૂપિયા 5,000 પ્રતિમાસનો વધારો આપવામાં આવશે. જે ઓગસ્ટ મહિનાથી અમલી બનશે.

(Photo-File)