અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કર્ણાટક વિધાનસભામાં ભાજપની કારમી હાર બાદ ભાજપ ગુજરાતમાં વધુ સક્રિય થઈ ગઈ છે. ત્યારે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદના ટાગોર હોલમાં મળી હતી. જેમાં ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો 5 લાખ મતોથી જીતવાનો સંકલ્પ કરાયો હતો. આ બેઠકમાં સંગઠન અને સરકાર વચ્ચે સંકલનથી લઈને વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન ભાજપની કારોબારી લાઈવ થઈ રહી હતી એ LED સ્ક્રીનમાં એક કેબિનેટ મંત્રી ઉંઘતા ઝડપાયા હતા. જેને લીધે ભાજપના પ્રભારીએ નારાજગી વ્યક્ત કરી હતી.
અમદાવાદના ટાગોર હોલમાં ભાજપની પ્રદેશ કારોબારી યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિત ભાજપના મોટા નેતાઓ અને ભાજપના કાર્યકો મળી 500 જણા આ બેઠકમાં હાજર હતા. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં લોકસભાની સીટોને લઈને મહામંથન ચાલ્યું હતું. ટાગોર હોલની અંદરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ થઈ રહ્યું હતું. આ દરમિયાન એલઈડી સ્ક્રીનમાં ભાજપના કેબિનેટ મંત્રી ઉંઘતા દેખાડાતાં રત્નાકરે વીડિયોગ્રાફર અને લાઈવ ટેલિકાસ્ટ કરનારને ઠપકો આપ્યો હોવાનું કહેવાય છે.
ભાજપની પ્રદેશ કારોબારીમાં કેન્દ્રની ભાજપ સરકારના 9 વર્ષની સફળતાને કેવી રીતે લોકો વચ્ચે લઈ જઈને ભાજપનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો એ માટે ચર્ચા થઈ રહી હતી. પ્રદેશ અધ્યક્ષે મોદી સરકારની ઉપલબ્ધીઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે 30મેથી 30મી જૂન સુધી એક મહિનાના કાર્યક્રમ જાહેર કર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ભાજપે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સામાન્ય ચૂંટણીને આડે હજુ સમય છે તેમ છતાં પક્ષની પ્રદેશ કારોબારીની બેઠક બોલાવીને નેતાઓને સક્રિય થવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં માત્ર તમામ 26 બેઠકો જીતવા માંગતી નથી, પરંતુ આ બેઠકો પર પાંચ લાખ મતોના વિજય માર્જિનને પણ જાળવી રાખવા માંગે છે. પાર્ટી કારોબારીની બેઠક પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં 30 મેથી 30 જૂન સુધી એક મહિના માટે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી.