Site icon Revoi.in

લોકડાઉન જેવી સ્થિતિને લીધે વેપારીઓને થયેલા નુકશાનની રિકવરીમાં ઘણો સમય લાગશે

Social Share

અમદાવાદ- રાજ્યના 29 શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરીએકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વેપારી વર્ગ લોકડાઉનના નિયમોનું પાલન તો કરી રહ્યા છે પરંતુ તેમને ચિંતા છે કે પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે ધંધામાં થયેલા નુકસાનની રિકવરી થવામાં વાર લાગશે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્ના જણાવ્યુ હતું કે, પ્રથમ લૉકડાઉન પછી લોકોની માંગને કારણે ઠપ્પ થયેલા વેપારને ઊભા કરવામાં ઘણી મદદ મળી હતી. પરંતુ આ વર્ષે કદાચ વેપારીઓએ વધારે નુકસાન ઉઠાવવું પડે. અત્યારે લોકોમાં ભયનો માહોલ છે, કારણકે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે જ જરૂરી વસ્તુઓની તંગી પણ વર્તાઈ રહી છે. આ સિવાય વેપારીઓ ઈચ્છે છે કે સરકાર તરફથી ખુલાસો કરવામાં આવે કે જથ્થાબંધના વેપારીઓ જેમનું કામ પોતાની દુકાનથી થતું હોય છે, તે પોતાની દુકાન ચાલુ રાખી શકે છે કે નહીં.

ઓનલાઈન માર્કેટ સાથેની હરિફાઈનો સામનો કરી શકાય તેવા કોઈ પગલા પણ લેવા જોઈએ. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓનલાઈન પ્લેટફોર્મ્સને માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓની જ ડિલિવરી કરવાની મંજૂરી હોવી જોઈએ.