Site icon Revoi.in

ભાજપની સરકાર હવા ઉપર પણ જીએસટી ન વસુલે તો નવાઈ ગણાશેઃ કેજરિવાલના પ્રહોરો

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલે રાજકોટની મુલાકાત દરમિયાન કેન્દ્નની ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે એક પણ વસ્તુ એવી નથી કે, એના પર જીએસટી ન લાગાવ્યો હોય. હવે તો દુધ,દહીં, છાશ અને લોટ પર પણ જીએસટી લગાવવામાં આવ્યો છે, અને એક માત્ર હવા જ બાકી રહી છે. ભાજપ સરકાર હવા પર જીએસટી ન વસુલે તો જ નવાઈ ગણાશે.

રાજકોટ શહેરમાં આપ’ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટાઉન હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના 500થી વધુ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે GST પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે વેપારીઓને ડરાવી રાખ્યા છે. આ સરકારે દૂધ, દહીં, છાશ પર GST લગાવ્યો, હવે તો હવા પર પણ GST વસૂલે તો નવાઈ નહીં! આ સાથે તેમણે વેપારીઓ અને ઉદ્યોગકારોને 5 ગેરંટી આપી હતી કે, જો અમારી સરકાર ગુજરાતમાં આવશે તો અમે તમને વચન આપીએ છીએ કે આ પાંચ કાર્યો પહેલા કરીશું. જેમાં પ્રથમ તો ભયનું વાતાવરણ ખતમ કરીશું, નિડરતાથી વેપારી-ઉધોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું, દરેક વેપારી-ઉધોગપતિને ઇજ્જત આપીશું. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. GSTના રિફંડ છ મહિનામાં આપીશું. GST અંગેની ગૂંચવણોને દૂર કરીશું અને વેપારી-ઉધોગપતિઓને ભાગીદાર બનાવીશું, તેમના સૂચનો લેશું અને સમસ્યાઓનો હલ કરીશું.

કેજરિવાલે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકારે 1079 નામથી એક નંબર લોન્ચ કર્યો છે. તમે કોઈ પણ સમયે અમને કોલ કરી શકો છો. અમે તમારી સમસ્યા સાંભળીશું. 27 વર્ષ થયા છતાં ભાજપ સરકાર સત્તામાં છે. છતાં તેમણે માત્ર વેપારીઓના નિવેદનો જ લીધા, સાંભળ્યા નહીં. આજે તમે બોલશો એટલે મુખ્યમંત્રી પણ મને સાંભળતા હશે અને સી.આર.પાટીલ પણ મને સાંભળતા હશે. પ્રજા પૈસા આપે છે અને સરકાર GST વધારે છે.  સરકારે GST અંગે વિનામૂલ્યે સલાહ આપવી જોઈએ. કારણ કે, વેપારીઓને GST અંગે સલાહ લેવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. તેમાંય ગુજરાતમાં તો વેપારીઓને ડરાવવામાં આવી રહ્યા છે. સુરતમાં એક વર્ષ પહેલાં વેપારીઓને મળ્યો ત્યારે કાર્યક્રમ જ રદ કરાવી નાખ્યો હતો. આજે તમે બધા મોટી સંખ્યામાં આવ્યા તેનાથી મને આનંદ થયો છે. દિલ્હીમાં સરકાર નફામાં ચાલી રહી છે. જ્યારે ગુજરાત સરકાર ખોટમાં છે.

રાજકોટના ટાઉન હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સભ્યોની કેજરિવાલ સાથેની બેઠકમાં વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. અહીં વેપારીઓએ GSTમાં ટેક્સ ઘટાડવા, GST પર રિફંડ આપવાની માગ કરી હતી. આ ઉપરાંત સરકારી કામકાજ માટે સરકારી બાબુઓ પૈસા વસૂલતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત સોલારમાં ઘણા લોકોની સબસિડી ફસાઇ હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વેપારીએ કહ્યું હતું કે, GSPC મનમાની કરી રહી છે, કોઈ પણ સમયે રૂપિયા વધારી દે છે. તમામ ફેકટરીમાં પાણીની વ્યવસ્થાની વાતો કરવામાં આવે પરંતુ ફેક્ટરીમાં તો ઠીક ઘરમાં પણ પાણી મળ્યું નથી. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર દેશમાં સૌથી વધુ ટેક્સ ભરે છે, છતાં મોરબીમાં આવો ત્યારે ધૂળ સિવાય બીજું કશું નથી મળતું નથી.