ઇટાલીએ ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)માંથી બહાર નીકળવાની પુષ્ટિ કરી છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના વહીવટીતંત્રે બેઇજિંગને જાણ કરી હતી કે તે વર્ષના અંત પહેલા પ્રોજેક્ટમાંથી ખસી જશે. 2019માં ચીનના સૌથી મહત્વાકાંક્ષી વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, BRI પર હસ્તાક્ષર કરનાર ઇટાલી એકમાત્ર મોટો પશ્ચિમી દેશ હતો. ત્યારે ઈટાલીના આ પગલાની અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ આકરી ટીકા કરી હતી.
2013માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા શરૂ કરાયેલ BRI પ્રોજેક્ટનો ઉદ્દેશ સમગ્ર એશિયા અને યુરોપમાં અંદાજિત 1 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવાનો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ચીનને નવી અને અદ્યતન રેલ્વે લાઈન અને બંદરો બનાવીને યુરોપ અને એશિયાના અન્ય ભાગો સાથે જોડવાનું છે, પરંતુ અમેરિકા શરૂઆતથી જ BRIનું કટ્ટર વિરોધી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ હેઠળ ચીન ઘણા દેશોને ‘દેવાની જાળ’માં ફસાવી રહ્યું છે અને તેનો ઉપયોગ પોતાના હિત માટે કરી રહ્યું છે. ઈટાલી સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીનો ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. ઈટાનીની સરકાર એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ચીન સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગે છે.
દરમિયાન, તાજેતરમાં દુબઈમાં આયોજિત COP-28 સમિટ દરમિયાન, મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી, ત્યારબાદ મેલોનીએ પીએમ મોદીને ‘સારા મિત્ર’ કહ્યા હતા. આવી સ્થિતિમાં પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ઈટાલી સરકારના આ નિર્ણયને ચીન માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. ભારત હંમેશા BRIની વિરુદ્ધ રહ્યું છે. બીજી તરફ આ પ્રોજેક્ટમાં પાકિસ્તાન પણ સામેલ છે.