Site icon Revoi.in

અમદાવાદ રેલવે સ્ટેશનમાં રોજ એકત્ર થતાં બે ટન કચરામાંથી પોલિથિન બેગ સહિત ચીજ-વસ્તુઓ બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરના 24 કલાક ધમધમતા કાળુપુર  રેલવે સ્ટેશન પર દરરોજ નીકળતા 2 ટનથી વધુ કચરાના નિકાલ માટે રેલવે દ્વારા સ્ટેશન યાર્ડ વિસ્તારમાં લગભગ એક હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ શરૂ કરાયો છે. આ પ્લાન્ટ શરૂ થતા તમામ કચરાના નિકાલ સાથે અમદાવાદ સ્ટેશન સંપૂર્ણ રીતે ગ્રીન સ્ટેશન બનશે. આ પ્લાન્ટમાં કચરો લાવી તેમાંથી ભીનો કચરો, સૂકો કચરો, પ્લાસ્ટિક બોટલ, પોલિથિન બેગ, થર્મોકોલ, સિલ્વર ફોઈલ, મેટલ વિગેરે અલગ અલગ કરી તેમાંથી ખાતર, ચાદર, નેપકિન, બેંચ સહિત અન્ય વસ્તુઓ તૈયાર કરાશે.

અમદાવાદ રેલવે ડિવિઝનના સિનિયર મેનેજરે જણાવ્યું  હતું કે, રેગ્યુલર સમયમાં અમદાવાદ સ્ટેશનેથી 200થી વધુ ટ્રેનોમાં દોઢ લાખથી વધુ લોકો મુસાફરી કરે છે. જેના પગલે સ્ટેશન પર દરરોજ 2 ટનથી વધુ કચરો એકત્ર થાય છે. વધુમાં સ્ટેશન પર એકત્ર થતા કચરાના પરિવહન માટે સોલર પાવરથી ચાર્જ થતાં 2 ઈલેક્ટ્રિકલ વ્હીકલ મુકવામાં આવશે. પેસેન્જરો દ્વારા ટ્રેનમાં તેમજ સ્ટેશન પર ફેંકી દેવાતી પાણીની બોટલોને એકત્ર કરી તેને બોટલ ક્રશિંગ મશીનમાં નાખી તેના નાના ટુકડા તૈયાર કરાશે. આ ટુકડા ભેગા કરી અન્ય કંપનીમાં અપાશે જ્યાં રેલવે માટે જરૂરી નેપકિન, ચાદર, પીપીઈ કિટ, ટીશર્ટ, કેપ, પોલિથિન બેગ સહિત અન્ય પ્લાસ્ટિક (મલ્ટિ લેઈડ પ્લાસ્ટિક)ને એકત્ર કરી તેને અન્ય કંપનીમાં મોકલાશે. જ્યાં આ વેસ્ટમાંથી બેંચ તૈયાર કરવામાં આવશે.  કચરામાંથી પેપર, થર્મોકોલ તેમજ ટેટ્રાપેક અલગ કરાશે. જે અન્ય કંપનીમાં આપી તેમાંથી પોલિએલ સીટ તૈયાર કરાશે. આ સીટ મકાન પર છત તરીકે વાપરી શકાશે. આ સિવાય ઉપયોગ વગરના વધેલા વેસ્ટને સિમેન્ટ ફેક્ટરી કે પાવર પ્લાન્ટમાં અપાશે. ભીના કચરાના નિકાલ માટે પ્લાન્ટમાં 500 કિલોગ્રામની ક્ષમતાવાળા કમ્પોઝ્ડ મશીન લગાવાયા છે. જેમાં ખાવાનો તેમજ અન્ય ભીનો કચરો નાખી ખાતર તૈયાર કરાશે. 500 કિલોગ્રામ ભીના કચરામાંથી 30 ટકા લેખે લગભગ 150 કિલોગ્રામ ખાતર તૈયાર થશે.