ભાવનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે બાળકોના શિક્ષણ પર અસર ન થાયતે માટે પ્રવાસી શિક્ષકોની સેવા હંગામી ધોરણે લેવામાં આવી હતી. ઘણીબધી જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.ત્યારે હવે પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાનો આદેશ કરાયો છે.એવું કહેવાય છે. કે ઉનાળુ વેકેશન બાદ પ્રવાસી શિક્ષકોની ફરીવાર સેવા લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા એક તરફ નવી શિક્ષણનીતિનું અમલીકરણ અને સાથે શિક્ષણની ગુણવત્તા વધુ આગળ લઈ જવાની મોટી મોટી વાતો થાય છે ત્યારે બીજીબાજુ સરકારી પ્રાથમિક શાળાઓમાં રેગ્યુલર શિક્ષકોની જગ્યા ખાલી હોય ત્યાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાનો આદેશ કરાયો છે. આથી પરીક્ષાના સમયે જ શાળાઓમાં શિક્ષકોની ઘટ સર્જાશે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોની ઘટ સરકારી પ્રાથમિક શાળાઓમાં સર્જાતા દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તેવી સ્થિતિ થઈ શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. મહિનાઓ પહેલા સરકારી પ્રાથમિક શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોના રેગ્યુલર શિક્ષકો ન હોય ત્યાં આ વિષયના રેગ્યુલર શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી પ્રાથમિક શિક્ષકોની ભરતી માનદ વેતન સાથે કરવામાં આવી હતી. પરંતુ 31મી માર્ચે તમામ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા છે.ત્યારે છેલ્લી ઘડીએ ગણિત, વિજ્ઞાન , અંગ્રેજી જેવા વિષયનું ગાઈડન્સ કોણ આપશે અને પરીક્ષામાં સુપરવિઝન તેમજ ઉત્તરવહીના મૂલ્યાંકન જેવા પ્રશ્નો આગામી દિવસોમાં સર્જાશે. (File photo)