- આજે બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફનો જન્મદિવસ
- જગ્ગુ દાદાથી જેકી શ્રોફ બનવાની કહાની
- ગરીબોની કરે છે ખુબ જ મદદ
મુંબઈ: બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફની હીરો બનવાની કહાની એકદમ ફિલ્મી છે. જેકી શ્રોફનું વાસ્તવિક નામ જયકિશન કાકુભાઇ શ્રોફ છે. તેનો જન્મ આજના દિવસે 1967માં થયો હતો. તેમનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીત્યું હતું. તે મુંબઇના એક અવિકસિત વિસ્તારમાં રહેતા હતા અને તેઓ પોતાના વિસ્તારના લોકોની ઘણી સારસંભાળ લેતા હતા. તેથી, તેઓ તેમના લોકો વચ્ચે જગ્ગુ દાદા તરીકે મશહુર થયા.
પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેમણે 11માં અભ્યાસ છોડી દીધો હતો. ત્યારબાદ જેકી શ્રોફને સ્ટાઇલ ઉપરાંત કુકિંગનો શોખ હતો. શેફ તરીકે પોતાનું નસીબ અજમાવવા તે તાજ હોટેલ પણ ગયા,પરંતુ વાત ના બની. આ પછી જેકીએ એર ઇન્ડિયામાં ફ્લાઇટ એટેન્ડન્ટ બનવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહિયાં પણ ઓછી યોગ્યતાના કારણે કામ ના બન્યું.
એક દિવસ જેકી બસ સ્ટેન્ડ પર બસ આવવાની રાહ જોતા હતા. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને બોલ્યો, ‘મોડેલિંગ કરીશ?’ ત્યારે જેકી કંઈ કમાતા ન હતા, તરત બોલ્યા, ‘પૈસા આપીશ’. આ તે જ ક્ષણ હતી, જ્યારે તેણે સ્ટારડમ તરફ પગ મૂક્યો હતો.
આ પછી તેને સુભાષ ઘાઈની ફિલ્મ ‘હિરો’ માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ એક બ્લોકબસ્ટર સાબિત થઈ અને પછી તે જયકિશન શ્રોફથી સુપરસ્ટાર જેકી શ્રોફ બની ગયા. અહીં જેકીની કારકીર્દિએ એવી ગતિ પકડી કે બધા હીરો જોતા જ રહી ગયા.
જેકી તેમના પહેલાના દિવસો ક્યારેય પણ ભૂલ્યા નથી. તેઓ જાણે છે કે ગરીબી શું છે. તેથી આજે પણ ગરીબોની સારવાર અને મદદ માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એક એકાઉન્ટ ચલાવે છે. આટલું જ નહીં, પાલી હિલ્સની આસપાસના તમામ ગરીબ લોકો છે, તેમની પાસે જેકી શ્રોફનો પર્સનલ નંબર છે. જ્યારે પણ તેને કોઈ મદદની જરૂર પડે છે, ત્યારે તે જેકીને ફોન કરે છે. અને જેકી પણ તરત જ તેની મદદ માટે પહોંચી જાય છે.