Site icon Revoi.in

જગન્નાથ મોસાળમાં પધાર્યા, ભાણેજને આવકારવા સરસપુર ઉમટ્યું, લાખો ભક્તોએ પ્રસાદ આરોગ્યો

Social Share

અમદાવાદઃ  ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળ સરસપુર પહોંચતા ભાણેજને આવકારવા સરસપુર ઉમટ્યું હતું.  મોસાળમાં જગન્નાથના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુર બ્રિજ પર જનમેદની ઉમટી પડી હતી. જય જગન્નાથજીના નાદ સાથે મોસાળમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રથયાત્રાને વિશ્રામ અપાયા બાદ લાખો ભાવિકોએ પ્રસાદ આરોગ્યો હતો. સરસપુરની તમામ શેરીઓમાં ભક્તો માટે પુરી શાક, મોહનથાળ, કેરીનો રસ સહિત અનેક વાનગીઓ પિરસવામાં આવી હતી. સાધુ-સંતો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોસાળમાં ભગવાનનું મામેરૂ કરવામાં આવ્યું હતું

રથયાત્રા સરસપુરમાં પહોંચ્યા બાદ ભક્તો પ્રસાદનો લાભ લેવા આવી પહોંચ્યા હતા. સરસપુરની પોળમાં ભક્તોને ભાવપૂર્વક ભોજન પીરસવામાં આવ્યુ હતુ.  ભક્તોને પૂરી, શાક, મોહનથાળ, કેરીનો રસ અને ફૂલવડીનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. સરસપુરની લુહાર શેરીમાં છેલ્લા 48 વર્ષથી સૌથી મોટુ રસોડું ચાલે છે. જ્યાં 5000 ભક્તો પ્રસાદ લઈ શકે તેવું આયોજન કરાયું હતુ. આ વર્ષે રથયાત્રામાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી, 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો છે.

રથયાત્રામા આગમન પહેલા સરસપુરમાં ટ્રકો આવી પહોંચી હતી. સાથે ભાવિકો પણ સરસપુર પહોંચ્યા છે. લાખો ભક્તોની ભીડ સરસપુર ખાતે ઉમટી પડ્યા છે. સરસપુર ખાતે ભક્તોને દરેક પોળમાં આવકારવામાં આવી રહ્યા છે. અને રસ્તા ઉપર ચાલીને આગળ જતા ભક્તોને રોકીને પ્રસાદી લેવા આગ્રહ કરવામાં આવી રહ્યો છે. રસોડામાં નાના-નાના ભૂલકાઓએ પણ ભોજન બનાવવામાં સેવા પૂરી પાડી. કોઈપણ ભક્ત સરસપુર ભગવાનના મોસાળથી ભૂખ્યા ન જાય તે માટે દરેક પોળના સ્વયંસેવકો સેવામાં સજજ બનેલા જોવા મળ્યા હતા.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પદયાત્રીઓ માટે પ્રસાદી સ્વરૂપે ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે ભક્તો રથયાત્રાની પદયાત્રાની સાથે ભોજનનો લ્હાવો પણ લઈ રહ્યાં છે ભક્તોને પ્રસાદીરૂપે ભોજનમાં પુરી-શાક, ખીચડી, ખમણ, કેરીનો રસ સહિતની વાનગી પીરસવામાં આવી હતી.