ત્રિપુરામાં જગન્નાથજીનો લોખંડનો રથ હાઈટેન્શનના વાયર સાથે સ્પર્શ થતાં 7નાં મોત:18 લોકો દાઝી ગયા
અગરતલાઃ ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બુધવારે સાંજે ઇસ્કોન મંદિરથી નીકળવામાં આવેલી જગન્નાથ યાત્રાનો રથ હાઇ ટેન્શન વાયરની ચપેટમાં આવી ગયો હતો. જેના કારણે બે બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. અને 18 શ્રદ્ધળુઓ ગંભીરરીતે દાઝી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે બીન સત્તાવારરીતે આ દૂર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે. પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પોલીસના જણાવ્યા જણાવ્યા મુજબ ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બુધવારે સાંજે ઇસ્કોન મંદિરથી નીકળવામાં આવેલી જગન્નાથ યાત્રાનો રથ હાઇ ટેન્શન વાયરની ચપેટમાં આવી ગયો હતો આ ઘટના ‘ઉલટા રથયાત્રા’ ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે 4.30 વાગ્યે બની હતી. લોખંડના બનેલા રથને ભક્તો ખેંચી રહ્યા હતા. આ દરમિયાન રથ 133 KV ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે રથ જીવંત ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં કેવી રીતે આવ્યો.
માન્યતાઓ અનુસાર ત્રિપુરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાના એક અઠવાડિયા પછી ઉલ્ટી રથયાત્રા નીકળે છે. આમાં ભગવાનનો રથ પાછળથી ખેંચાય છે. આને ઘુરતી રથયાત્રા કહે છે. જેમાં ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રા ભગવાન જગન્નાથની સાથે રથ પર સવાર થાય છે. મુખ્યમંત્રી માણિક સાહાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- હું આ ઘટનાથી દુખી છું. દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના નજીકના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. 60 ટકા થી વધુ દાઝી ગયેલા લોકોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. તો બીજી તરફ 40 ટકા થી વધુ અને 60 ટકા થી ઓછા દાઝી ગયેલા લોકોને 75,000 રૂપિયાની મદદ આપવામાં આવશે.
સીએમએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને PMNRF તરફથી 50,000 રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિતોની સાથે છે. દરમિયાન મીડિયા સાથે વાત કરતા ઉર્જા મંત્રી રતન લાલ નાથે કહ્યું- મેં સ્થાનિક ધારાસભ્ય ભગવાન દાસ અને ત્રિપુરા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ડીજીએમ સાથે વાત કરી છે. અધિકારીઓને તપાસના આદેશ આપીને વહેલી તકે રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.