અમદાવાદઃ અષાઢી બીજના દિવસે આજે અમદાવાદ સવારે જગન્નાથજી મંદિરથી ભગવાનની રથયાત્રા નીકળી હતી. રથયાત્રાને પગલે રૂટ ઉપર વિસ્તારોમાં કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન કાલુપુર દરવાજા પાસે રેલવે સ્ટેશનથી આવતા અને જતા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. આ પ્રવાસીઓની મદદે પોલીસ આવી હતી. તેમજ પોલીસના વાહન બેસાડીને તેમને નિર્ધારિત સ્થળ ઉપર લઈ જવાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાગ ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. રથયાત્રાને પગલે ખાડિયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર, શાહપુર, કારંજ સહિતના વિસ્તારોમાં કરફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો. જેથી ટ્રેનમાં બહાર ગામથી આવતા પ્રવાસીઓ ફસાયાં હતા. એટલું જ નહીં રેલવે સ્ટેશન જતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રવાસીઓને તકલીફ ના પડે તે માટે પોલીસ દ્વારા તેમને નિર્ધારિત સ્થળે મુકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલુપુર દરવાજા પાસે અટવાયેલા પ્રવાસીઓને પોલીસ વાહનમાં લઈ જવાયાં હતા. પ્રજાની સુરક્ષામાં 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આ કામગીરીના પ્રવાસીઓએ વખાણ કર્યાં હતા. કર્ફ્યુને કારણે અટવાયેલા અનેક લોકો ને પોલીસે મદદ કરી તેઓ ને નિર્ધારિત જગ્યા એ પહોંચાડ્યાં હતા.