અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને વર્ષોથી પરંપરાગતરીતે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નિકળશે કે કેમ તે અંગે ચર્ચા જાગી હતી. સરકાર પણ રથયાત્રા નિકળે તે માટે સકારાત્મક વલણ અપનાવી રહી છે. અને કેટલાક નિયમોને આધિન રથયાત્રાને મંજુરી આપવામાં આવે તેવી પુરી શક્યતા છે. ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ભગવાન નગરચર્યાએ નીકળે તેની મંજુરી માંગવામાં આવી છે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં પણ 50 લોકો જ હાજર રહેશે તે માટે પણ મંજૂરી માગવામાં આવી છે. રથયાત્રા કાઢવાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શહેરના જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનરને દર વર્ષની જેમ આ વખતે પણ હાથી, ટ્રક, અખાડા, ભજનમંડળીઓ સાથે ભગવાનની રથયાત્રા કાઢવા મંજૂરી માટે અરજી કરવામાં આવી છે. અરજી બાદ મીટીંગ કરવામાં આવશે અને તેઓ નક્કી કરે તે મુજબ રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા પહેલા જળયાત્રામાં 50 લોકો જ હાજર રહેશે. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે. એ દિવસ પહેલા જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી એનો નિર્ણય લેવામાં આવશે એમ જણાવ્યું હતું. રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે યોજાશે.
મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે. આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સ સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી બને છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે, પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો-કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી જળયાત્રા સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.