અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજને તા. 7મી જુલાઈએ પરંપરાગત 147મી રથયાત્રા યોજાશે. રથયાત્રાને હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ, પોલીસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સતત બીજા વર્ષે એક IPS સહિત 8 ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ હેલિકોપ્ટરથી રથયાત્રાના રૂટ પર બાજનજર રાખશે. આ ઉપરાંત, પોલીસ હેલિકોપ્ટર દ્વારા ભગવાનના ત્રણેય રથ પર પુષ્પાવર્ષા પણ કરશે.
અમદાવાદ શહેરમાં 7મી જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. દર વર્ષે વિવિધ સાજ, શણગાર સાથે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે પણ પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને અનેક ભજન મંડળી જોડાશે. આ વર્ષે પણ વિવિધ થીમ મુજબ 101 ટ્રકને શણગાર કરવામાં આવશે, જેમાં ભક્તજનોને મગ, જાંબુ, કાકડી, ચોકલેટ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 30 જેટલા અખાડામાં અખાડિયનો શક્તિ પ્રદર્શન કરીને વિવિધ કરતબનું પ્રદર્શન કરશે. ભગવાન જગન્નાથની નગરચર્યામાં 17 માદા હાથી અને એક નર હાથી જોડાશે. જેમાં સૌથી નાનું હાથી 8થી 10 વર્ષનો છે, જ્યારે સૌથી મોટો હાથી 40 વર્ષ સુધીની ઉંમરનો છે. દર વર્ષે ભગવાન જગન્નાથની નગરચર્યામાં લાખો ભક્તો જોડાય છે, ત્યારે આટલા વધુ માત્રામાં લોકોની ભીડ અને ઢોલ નગારાં તથા સ્પીકરના અવાજમાં કોઈ વ્યક્તિને નુકસાન ન પહોંચાડે તે માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે.
રથયાત્રામાં દર વર્ષે 101 ટ્રક જોડાય છે. જેમાં લાખો ભક્તજનોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ ફક્ત પ્રસાદના વિતરણ માટે હોતું નથી. પરંતુ તેમાં લોકોને સંદેશ પણ આપવામાં આવે છે. દર વર્ષે વિવિધ થીમ આધારિત શણગાર કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ટ્રક પર નવી બનેલી સંસદ ભવનનું ટેબ્લો બનાવવામાં આવશે. આ ઉપરાંત વધુ વૃક્ષો વાવવાના સંદેશ સાથે ટ્રકને સજાવવામાં આવશે. રથયાત્રા મોટર અસોસિયેશનના પ્રમુખ વિશાલ લોધાએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ ટ્રકમાંથી વિજેતાને પણ ઘોષિત કરીને તેમને ઇનામ આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી રીતે સુશોભિત થતી ટ્રકને ઇનામ આપવામાં આવશે, જેમાં તે જેટલા ઇનામોનું વિતરણ કરવામાં આવશે.