નવી દિલ્હીઃ હનુમાન જ્યંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન જહાંગીરપુરીમાં તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ગોળીબાર પણ કર્યો હતો. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ તપાસ કરી રહી છે. હવે સમગ્ર પ્રકરણમાં તપાસમાં ઈડી પણ જોડાઈ છે. મુખ્ય આરોપી અંસારની મિલકતને લઈને ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને જહાંગીરપુરીમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જહાંગીરપુરી હિંસા મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન દિલ્હી પોલીસ કમિશનરે EDને એક પત્ર લખ્યો છે, જેમાં હિંસાના મુખ્ય આરોપી અંસાર સામે PMLA હેઠળ કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. બીજી તરફ તપાસનીશ એજન્સી ક્રાઈમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપીઓ સામે NSA લગાવવાની તૈયારી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 5 આરોપીઓ સામે NSA લગાવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે જહાંગીરપુરીમાં સીસીટીવી લગાવ્યા છે. અહીં સર્વેલન્સ પોસ્ટ પણ બનાવવામાં આવશે.
દરમિયાન ઈન્ડિયન મુસ્લિમ લીગ (આઈએમએલ), બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિમંડળ પીડિતોને મળવા જહાંગીરપુરી પહોંચ્યું હતું. કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ ગુરુવારે અહીં પહોંચ્યું હતું, પરંતુ પોલીસે તેને હિંસા સ્થળ પર જવા દીધું ન હતું. વહીવટી તંત્ર દ્વારા જહાંગીરપુરી હિંસા કેસમાં આરોપીઓની ગેરકાયદે મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી રાજકારણ ગરમાયું છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા આપેક્ષ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.