જય દ્વારકાધીશ: કૃષ્ણ મંદિરમાં ગરબાનો ઉત્સવ યોજાયો, સાથે અન્નકૂટ દર્શનનું પણ થયું આયોજન
- દ્વારકાધીશ મંદિરમાં શરદ રાસોત્સવની ઉજવણી થઈ
- અન્નકૂટ દર્શનનું પણ થયું આયોજન
દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં શરદ પૂર્ણિમાના ભવ્ય રાસોત્સવની ઉજવણી કરવામા આવી હતી. ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પૂજારી પરિવાર દ્વારા ધામધૂમ પૂર્વક શરદ પુણિઁમાના રાસોત્સવની ઉજવણી સાથે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજારી પરિવારની મહિલાઓ અને પૂજારીઓ અદ્દભૂત શણગાર સાથે શરદ રાસોત્સવમાં રાસ ગરબે રમ્યા હતા.
સમગ્ર દ્વારકાવાસીઓ સાથે જ યાત્રાળુઓએ શરદ પુણિઁમાના રાસોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો આ ઉપરાંત ભગવાન દ્વારકાધીશજીના અન્નકૂટ ઉત્સવના હજારો ભાવિકોએ દર્શન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે મંદિર પ્રશાસન દ્વારા તમામ પ્રકારની કાળજી રાખવામાં આવી હતી. જાણકારી અનુસાર મંદિર પ્રસાશને તમામ પગલા લીધા છે જે સરકારી ગાઈડલાઈન અનુસાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે શ્રી કૃષ્ણના મંદિરમાં પ્રસંગ હોય અને ભીડ ન થાય તેવું બને નહી. આ ઉપરાંત ગુજરાતના અન્ય મંદિરોમાં પણ શરદ પૂનમના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.