જેલમાં બંધ કેજરિવાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો માટે મોકલ્યો ખાસ સંદેશ
નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મંત્રી આતિશી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે તિહાર જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ પછી આતિશીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ ધારાસભ્યોને જળ સંકટ વચ્ચે જનતાની વચ્ચે રહેવાની સૂચના આપી છે. જળ મંત્રી આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે આકરી ગરમી વચ્ચે વીજળી અને પાણીની સ્થિતિ વિશે પૂછ્યું હતું. આતિશીએ કહ્યું, “તેમણે કહ્યું છે કે જે પણ પગલા ભરવાની જરૂર છે તે લેવામાં આવે. તેમણે ધારાસભ્યોને તેમના વિસ્તારોમાં જઈને સમસ્યાનો ઉકેલ લાવવાની સૂચના આપી છે.” એવું માનવામાં આવે છે કે આ મુલાકાત તિહાર જેલના વિઝિટર રૂમમાં થઈ હતી.
મીટિંગ પહેલા આતિશીએ કહ્યું હતું કે, દિલ્હીમાં પાણીની તંગી વધી રહી છે. ભાજપ રાજનીતિ કરે છે. આપણે સમજવું પડશે કે દિલ્હીને જે પણ પાણી આપવામાં આવે છે તે યમુનામાંથી આવે છે. વજીરાબાદ પ્લાન્ટમાં જે પાણી આવે છે તે મુનક કેનાલમાંથી આવે છે. હવે જો હરિયાણા પાછળથી પાણી નહીં છોડે તો દિલ્હીના તમામ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ઓછું થઈ જશે.
અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણી પ્રચાર માટે 10 મેના રોજ વચગાળાના જામીન આપ્યા હતા. 21 દિવસના વચગાળાના જામીન બાદ સીએમ કેજરીવાલે 2 જૂને તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
આતિશી પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે તિહાર જેલમાં આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. બંને નેતાઓએ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન અંગે ચર્ચા કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બેઠક દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રીની પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર હતા.