ભાવનગરઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રિકો આવતા હોય છે. મોટાભાગના યાત્રિકો મુંબઈથી આવતા હોવા છતાં પાલિતાણા-મુંબઈ વચ્ચે દેનિક ધોરણે ટ્રેન નથી. હાલ બાન્દ્રા-પાલિતાણા વચ્ચે સાપ્તાહિત ટ્રેનની સુવિધા છે.જેમાં કાયમ નો વેકન્સી જેવી સ્થિતિ હોય છે. આથી બ્રાન્દ્રા-પાલિતાણા વચ્ચે દૈનિક ધોરણે ટ્રેન શરૂ કરવા પ્રવાસીઓની માગ ઊઠી છે.
જીલ્લાનું પાલિતાણા મહત્વપૂર્ણ રેલ મથક ગણવામાં આવે છે. પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન ચલાવવામાં આવે છે, અને હરહંમેશ આ ટ્રેન ક્ષમતાથી વધુ મુસાફરોનું વહન કરે છે. છતા, આ ટ્રેનને સપ્તાહમાં બે વખત અથવા દૈનિક ધોરણે ફાળવવામાં સતત ઉપેક્ષા સેવવામાં આવી રહી છે.
પાલિતાણા એ જૈનોનું પવિત્ર યાત્રાધામ છે અને મુંબઇમાં જૈનોની સંખ્યા સવિશેષ હોય છે. મુંબઇથી પાલિતાણાની યાત્રાએ આવતા યાત્રાળુઓએ સોનગઢ રેલવે સ્ટેશન પર ઉતરવું પડે છે, અને સોનગઢથી પાલિતાણા માટે સડકમાર્ગનો વિકલ્પ પસંદ કરવો પડે છે. તેવી જ રીતે પાલિતાણાથી સોનગઢ આવવા માટે પણ વાહનોની સહારો લેવો પડે છે. જેમાં યાત્રાળુઓને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે. બીજી તરફ ભાવનગર-બાંદ્રા દૈનિક ટ્રેનમાં મુંબઇ જવા-આવવાનો દરરોજ ટ્રાફિક હોય છે. જો પાલિતાણા-બાંદ્રા ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવે તો યાત્રાળુઓને સીધી પાલિતાણા સુધીની ટ્રેન મળી રહે તેમ છે. અને ભાવનગર-બાંદ્રા દૈનિક ટ્રેનમાં વધુ મુસાફરોને સમાવિષ્ઠ કરી શકાય તેમ છે. આ તમામ સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવે તો રેલવે તંત્રને પણ સારી આવક મળવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.
પાલિતાણાના જૈન અગ્રણીઓ દ્વારા અગાઉ રેલવેના સત્તાધિશોને લેખિત રજુઆતો કરી હતી. અને બ્રાન્દ્રા-પાલિતાણા વચ્ચે દેનિક ધોરણે ટ્રેન શરૂ કરવાની માગણી કરવામાં આવી હતી. બ્રાન્દ્રાથી રાત્રે ટ્રેન ઉપડે અને સવારે પાલિતાણા પહોંચે અને પાલિતાણાથી રાત્રે ટ્રેન ઉપડે અને સવારે બ્રાન્દ્રા પહોચે, ટ્રેનનો આવો સમય નક્કી કરાય તો પ્રવાસીઓ સારી સંખ્યામાં નિયમિત મળી શકે તેમ છે.