જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના એક સપ્તાહ બાદ જૈશ-એ-મોહમ્મદના આતંકી ચીફ મસૂદ અઝહરે નવી ઓડિયો ક્લિપ જાહેર કરી છે. તાજેતરના ઓડિયોમાં મસૂદ અઝહરે પુલવામા હુમલામાં કોઈપણ પ્રકારનો હાથ હોવાનો ઈન્કાર ક્રયો છે. તેણે દાવો કર્યો છે કે પુલવામા એટેકનો આત્મઘાતી હુમલો કરનારા ફિદાઈન આતંકી આદિલ અહમદ ડારને તે મળ્યો નથી. પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે ઓડિયો ક્લિપમાં પાકિસ્તાની સકરાર અને મીડિયાને ડરપોક પણ ગણાવ્યું છે. આના પહેલા પુલવામા એટેક બાદ જૈશ-એ-મોહમ્મદે આની જવાબદારી સ્વીકારી હતી. પરંતુ હવે પુલવામા એટેક પર જૈશ-એ-મોહમ્મદ જવાબદારી લઈને યુટર્ન લઈ રહ્યું છે.
ગુરુવારે જાહેર કરવામાં આવેલી ઓડિયો ક્લિપમાં મસૂદ અઝહરે કહ્યુ છે કે પુલવામા એટેકથી હિંદુસ્તાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019ની લોકસભા ચૂંટણીમાં નુકસાન થશે. તેણે એમ પણ કહ્યુ છે કે તે પાકિસ્તાનને કોઈપણ પ્રકારના યુદ્ધમાં ધકેલવા માંગતો નથી. ઓડિયોમાં મસૂદ અઝહરે દાવો કર્યો છે કે ચીન હંમેશા પાકિસ્તાનનું જ સમર્થન કરશે, જેને કારણે ગભરાવાની જરૂરત નથી. આતંકવાદી મસૂદ અઝહરનો ઓડિયો ક્લિપમાં દાવો છે કે નરેન્દ્ર મોદી કાશ્મીરમાં સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયા છે.
પુલવામા એટેક બાદ દુનિયાભરમાં ઘેરાયેલી પાકિસ્તાનની સરકારને મસૂદ અઝહરે ડરપોક ગણાવી છે. તેણે કહ્યુ છે કે પાકિસ્તાનનું મીડિયા અને સરકાર બંને ડરેલા છે. પોતાના ઓડિયોમાં મસૂદે આદિલ અહમદ ડારનું નામ પણ લીધું હતું. આદિલે જ પુલવામા ખાતે આત્મઘાતી હુમલો કર્યો હતો અને પોતાની કાર લઈને સીઆરપીએફના કાફલામાં ઘૂસ્યો હતો.
ઓડિયોમાં મસૂદ અઝહરે કહ્યુ છે કે જેટલી ગાળો આપવી છે, તેટલી મને આપો. પરંતુ આદિલ અહમદની વિરુદ્ધ કંઈ કહેશો નહીં, કાશ્મીરમાં આઝાદીની લડાઈ પોતાના પગ પર ઉભી થઈ ચુકી છે. ત્યાં કોઈપણ વિદેશી શક્તિની જરૂરત નથી.
ઓડિયો ક્લિપમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે આદિલ સાથે કોઈપણ પ્રકારના સંબંધનો ઈન્કાર કરતા કહ્યુ છે કે આદિલને આખી દુનિયા તેની સાથે સાંકળી રહી છે. પરંતુ તેની હસરત છે કે કાશ, તે ક્યારેય તેને મળ્યો હોત. જો આદિલના કારણે તેને મારી નાખવામાં આવે તો તેને તેનો કોઈ ગમ નહીં હોય. આ તેના માટે શહાદત હશે.
પોતાની આ ઓડિયો ક્લિપમાં મસૂદ અઝહરે પાકિસ્તાની કોલમિસ્ટ અયાજની પણ પ્રશંસા કરી છે. પાકિસ્તાની કોલમિસ્ટ અયાજે ખુલ્લેઆમ ફિદાઈન એટેકર આદિલ અહમદ ડારના વખાણ કર્યા હતા. તેણે અપીલ કરી છે કે પાકિસ્તાનની આવામે હિંદુસ્તાનના દબાણમાં આવવું જોઈએ નહીં.
મહત્વપૂર્ણ છે કે અમેરિકા, ફ્રાંસ, રશિયા જેવા ઘણાં દેશ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવાની ભારતની મુહિમમાં સાથે આવ્યા છે. જેને કારણે જૈશ-એ-મોહમ્મદ ખાસો ચચરાટ પણ અનુભવી રહ્યું છે.
14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જેટલા જવાનો શહીદ થયા હતા. પુલવામા ખાતે થયેલા ફિદાઈન એટેકની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે તાત્કાલિક સ્વીકારી હતી. પુલવામા એટેકની ઘટના બાદથી દુનિયાભરમાં પાકિસ્તાન પર થૂ-થૂ થઈ રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સ્પષ્ટીકરણ પણ આપવું પડયું છે.
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે જો કોઈ પુરાવા હોય, તો તે કાર્યવાહી કરવાની ખાત્રી આપે છે. જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર છેલ્લા ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં પોતાના આતંકના અડ્ડાઓ જમીને બેઠો છે. પુલવામા એટેક બાદ જૈશ-એ-મોહમ્મદના કાશ્મીર ખાતેના ષડયંત્રકારીઓને ભારતીય સુરક્ષાદળો હુમલાના 100 કલાકમાં જ ઠાર કરી ચુક્યા છે.