અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ જખૌ બંદર પાસેથી રાતના સમયે પસાર થવાની શકયતા છે. દરમિયાન દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરમિયાન સુરક્ષાના કારણોસર જખૌનો પોર્ટ લોકો માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
બિપરજોય વાવાઝોડુ રાતના 9થી 10 કલાકની વચ્ચે જખૌ બંદરની પાસે ટકરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે, હાલ વાવાઝોડુ લગભગ 8 કિમીની ઝડપથી ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે. વાવાઝોડુ જખૌ પાસે ટકરાય ત્યારે કોઈ જાનહાની ના થાય તેને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષાના કારણોસર જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પોલીસે જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કર્યો હોવાનું જાણવા મળે છે. તેમજ પોર્ટના કર્મચારીઓ સહિતના લોકોની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બીજી તરફ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા હોવાનું જાણવા મળે છે.
દરમિયાન માંડવી BSF કેમ્પની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. માંડવીનો દરિયો તોફાની બનતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને માંડવી રૂકમની નદીની ઉપર 150 વર્ષ જૂનો મોટો પુલ પણ જાહેર જનતા માટે આજથી બંધ કરાયો છે. વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કચ્છના દરિયાકાંઠા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે.