જલારામ બાપાની 223મી જન્મ જ્યંતિ સોમવારે ઊજવાશે, વિરપુર ગામ રંગબેરંગી રોશની શણગારાયું
રાજકોટઃ યાત્રાધામ વિરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની 223મી જન્મજયંતિ કારતક સુદ સાતમને સોમવારે ધામધૂમથી ઊજવાશે. છેલ્લા વર્ષથી કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાઈથી ઉજવાઈ હતી. પરંતુ હાલ કોરોના મહામારી નહીંવત હોવાથી યાત્રાધામ વીરપુરમાં બાપાની જન્મજયંતિ માટે કેટલાક દિવસોથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જલાબાપાની 223મી જન્મજયંતિ ઊજવવા વિરપુરવાસીઓમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. રંગબેરંગી રોશનીથી ગામે શણગાર સજ્યો છે. બાપાની જન્મજયંતિના દિવસે 223 કિલોની કેક બનાવવામાં આવશે.
જલારામ બાપાના મંદિરના વહિવટકર્તાઓના જણાવ્યા મુજબ, વિરપુરની દરેક શેરી અને ગલીઓમાં રંગોળીઓ અને ફ્લોટ્સની તૈયારી ચાલી રહી છે. વિરપુર આવનારા દરેક ભાવિકોને કોઈ અસુવિધા ન ઉભી થાય તેના માટે ગ્રામજનો પણ સ્વયં સેવક તરીકે જોડાયા છે. શોભાયાત્રાના આયોજક રવિ ગોટેચાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ જલારામ બાપાની શોભાયાત્રા વિરપુરમાં ફરશે. આ શોભાયાત્રામાં 223 કિલોની કેક બનાવવામાં આવશે. જેનો રંગ બાપાની ધ્વજાના રૂપમાં રાખવામાં આવશે. કેકની પ્રસાદી ભાવિકોને આપવામાં આવશે. વિરપુરમાં બીજી દિવાળી જેવો માહોલ જોવા મળે તે રીતે ધામધૂમથી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવશે.
જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વીરપુરની બજારોમા રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. વિરપુરવાસીઓ પણ પોતાના ઘર, હોટેલો, દુકાનોને અવનવા લાઇટ્સથી ડેકોરેટ કરાયા છે. સોમવારે બાપાની જન્મજયંતિને લઈને વિરપુર જલારામબાપાના દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે 250 વધુ સ્વયં સેવકો પૂજ્ય બાપાની જગ્યામાં તેમજ બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપશે.
પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિતે સમસ્ત ગ્રામજનો દ્વારા જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે. વીરપુરમાં ઘેરઘેર રંગોળીઓ તેમજ વીરપુરના અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કરાશે. પૂજ્ય બાપાની જન્મજયંતિ ઊજવવા માટે વિરપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.