અમદાવાદઃ સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મ જ્યંતિ અમદાવાદ રાજકોટ, વડોદરા નવસારી, વેરાવળ અને બાપાના ધામ એવા વીરપુરમાં ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી. રાજકોટ સહિતના શહેરોમાં શાભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. વીરપુર નગરને રંગબેરંગી રોશની અને ધજા-પતાકાથી શણગારવામાં આવ્યું હતું.
રાજ્યમાં આજે સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મજ્યંતિની ભારે ઉત્સાહથી ઊજવાઈ હતી. અમદાવાદ નવસારી, રાજકોટ સહિત શહેરોમાં જલારામ બાપાના મંદિરો દર્શનાથીઓની સવારથી ભારે ભીડ જોવા મળી હતી. વેરાવળ-સોમનાથમાં સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મ જયંતિની લોહાણા મહાજન દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અત્રે મોટી શાક માર્કેટમાં આવેલા જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ બાદમાં બપોર અને સાંજે નાસિકના ઢોલ સથવારે મહાઆરતી કરવામાં આવી હતી. જ્યારે વિવિધ વાનગીઓનો અન્નકોટ બાપાના ચરણોમાં ધરવામાં આવ્યા હતા. જેના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી હતી. મંદિરને રંગબેરંગી લાઈટો અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યું હતુ.
રાજકોટમાં ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ’નો સમાજને સંદેશો આપનારા સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા વિવિધ 25 કરતા વધારે ફલોટસ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 700 કરતા વધુ બાઈક અને અનેક ફોર વ્હીલર જોડાતા ‘જય જલિયાણ’નાં નાદથી માર્ગો ગૂંજી ઉઠ્યા હતા. આ શોભાયાત્રામાં વર્લ્ડ રેકોર્ડ સર્જનાર 65 કિલોનો 7/7નો વિશાળ રોટલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને તેમાંથી ભાવિકોને પ્રસાદ અપાયો હતો.
રાજકોટમાં જલારામ બાપાનો ખાસ રોટલો બનાવવામાં આવ્યો હતો, જેનું વજન અંદાજે 65 કિલો અને 7*7ની સાઈઝ છે, તે રોટલો પણ શોભાયાત્રામાં જ સામેલ કરવામાં આવ્યો છે. ગિનિસ બુકમાં રેકોર્ડ સ્થાપનાર આ રોટલાનાં સમગ્ર શહેરમાં દર્શન કરાવવામાં આવ્યા હતા અને તેમાંથી ભક્તોને પ્રસાદ અપાયો હતો.