Site icon Revoi.in

અમદાવાદમાં જગન્નાથજી મંદિરથી કાલે શનિવારે જળયાત્રા યોજાશે, સંતો-મહંતો સહિત ભાવિકો જોડાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર સમયાંતરે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સઘન બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. વધારાના સીસીટીવી પણ લગાવી દેવામાં આવ્યા છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. આવતીકાલે તા.22મી જુનને શનિવારે જગન્નાથજીના મંદિરથી સાબરમતી નદી સુધી જળયાત્રા યોજાશે. જ્યાં 108 કળશ ભરીને મંદિરમાં લવાશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરવામાં આવશે,ત્યારબાદ મહાજલાભિષેક કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક અને ઐતિહાસિક 147મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે 7 જુલાઈએ યોજાશે. આ રથયાત્રા મહોત્સવ પૂર્વે અતિમહત્ત્વની જળયાત્રા મહોત્સવ જેઠ સુદ પૂનમ 22 જૂનના રોજ નીકળશે. આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જશે, જ્યાં સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગાપૂજન બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરવામાં આવશે,ત્યારબાદ મહાજલાભિષેક કરવામાં આવશે.

આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિવિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શનનો લાભ આપશે. આ મહોત્સવ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ કૈવલ જ્ઞાનપીઠાધીશ સપ્તમ કુબેરાચાર્ય અવિચલદેવાચાર્યજી મહારાજ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત અન્ય મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત અગ્રણીઓ હાજર રહેશે.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે, 22મીએ નીકળનાર જળયાત્રા માટે મંદિરમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મંદિર પ્રાંગણમાં હાલ 108 કળશને રંગરોગાન કરવામાં આવી રહ્યા છે. તેની સાથે જ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો માટે ધ્વજ પતાકા, કાવડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેની સાથે જ યાત્રામાં ભજન મંડળીઓ પણ જોડાશે. આ જળયાત્રા મંદિરથી આવતીકાલે સવારે 8 કલાકે શરૂ થશે. જ્યારે 8.30 કલાકે ગંગાપૂજન વિધિ થશે. ત્યારબાદ સવારે 10 કલાકે મહાજલાભિષેક, 11 કલાકે ગજવેશ દર્શન તેમજ 12 કલાકે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. (File photo)