- સુરંગની આગળની બાજુનો એક નાનો ભાગ તૂટી પડ્યો
- સુરંગ તૂટી પડવાની જગ્યા પરથી 4 મૃતદેહ મળ્યા
- 6 હજુ પણ લાપતા
શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક નિર્માણાધીન ટનલનો એક ભાગ ગુરુવારે રાત્રે તૂટી પડ્યો હતો. ઘટના બાદથી બચાવ કામગીરી સતત ચાલી રહી છે. શનિવારે બપોર સુધી ઘટના સ્થળેથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે છ લોકો હજુ પણ ગુમ છે, તેમની શોધખોળ ચાલુ છે.શુક્રવારે આ દુર્ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા અને 10 લોકો કાટમાળમાં ફસાયા હોવાની માહિતી મળી હતી.પરંતુ હવે આ ઘટનામાં મૃત્યુઆંક ચાર થઈ ગયો છે.
અધિકારીઓએ શુક્રવારે માહિતી આપી હતી કે ગુરુવારે રાત્રે સુરંગની આગળની બાજુનો એક નાનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સેનાના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક સંયુક્ત બચાવ અભિયાન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે,ચાર લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, ચાર ઘાયલ થયા હતા અને 10 અન્ય લોકો હજુ પણ ટનલની અંદર ફસાયેલા છે. તેમણે કહ્યું કે સુરંગની આગળની બાજુએ પાર્ક કરાયેલા બુલડોઝર અને ટ્રક સહિત અનેક વાહનો અને મશીનોને નુકસાન થયું છે.
રામબનના ડેપ્યુટી કમિશનર મસરતુલ ઇસ્લામ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહિત શર્મા સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. સુરંગમાં ફસાયેલા લોકો તપાસનું કામ કરી રહેલા કંપનીના કર્મચારીઓ છે.અધિકારીઓએ જણાવ્યું કે,બનિહાલથી ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે.ફસાયેલા તમામ લોકોને ટૂંક સમયમાં બચાવી લેવામાં આવશે. જોકે, બચાવ કામગીરીમાં મુશ્કેલી બાદ ITBPના જવાનોને પણ સેવામાં જોડવામાં આવ્યા હતા.