Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ પુલાવામામાં 10 ગ્રેનેડ સાથે એક કટ્ટરપંથી ઝડપાયો

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળોએ શરૂ કરેલા અભિયાનમાં આજે વધુ એક સફળતા મળી હતી. પોલીસે પુલાવામા ખાતેથી એક કટ્ટરપંથીને 10 ગ્રેનેડ સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી ગ્રેનેડની સાથે પાંચ જેટલી બેટરી પણ મળી આવી હતી. એટલું જ નહીં આ તમામ વસ્તુઓ આરોપીએ સ્કુટરની સીટ નીચે છુપાવી હતી. પોલીસની તપાસમાં આ કેસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ તાજેતરમાં જ સુરક્ષા દળોના વાહન ઉપર ફાયરિંગ કરનારા 3 આતંકવાદીઓએ સુરક્ષા જવાનોએ ઠાર માર્યાં હતા. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક કટ્ટરપંથીના સાગરિતને 10 ગ્રેનેડ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પુલવામા શહેરમાં આતંકવાદી હુમલાની ગુપ્ત માહિતીના પગલે પોલીસ દ્વારા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. તેમજ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન સર્કુલર રોડ ઉપર શંકાના આધારે પોલીસે એક સ્કુટરને અટકાવ્યું હતું. તેમજ તપાસ કરતા વાહનમાં છુપાવવામાં આવેલા 10 ગ્રેનેડ અને 5 બેટરી મળી આવી હતી. વિસ્ફોટક સામગ્રી મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ સ્કુટર ઉપર સવાર દાનિસ બશીર અહેમદ નામના વ્યક્તિને ઝડપી લીધો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને દાનિશની પૂછપરછ આરંભી હતી. તેમજ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.