નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય જવાનોને સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીના હથિયારો પુરા પાડવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા શોધવા માટે આર્મીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓના મૃત્યુ પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના પાહુ વિસ્તારમાં અથડામણ પહેલા આ વીડિયો ડ્રોનની મદદથી શૂટ કરવામાં આવ્યો હતો. આ લડાઈમાં ડ્રોન આતંકવાદીઓ સામે સૌથી મોટુ હથિયાર સાબિત થઈ રહ્યું છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા ફુટેજમાં સેનાના જવાનોએ આતંકવાદીઓની પોઝિશન અને હથિયાર જોયા હતા. બે આતંકવાદીઓ સતત ડ્રેન તરફ જોતા હતા. તેમજ તેમણે ડ્રોનને નિશાન બનાવીને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે અન્ય એક આતંકવાદી ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ડ્રોનના લાઈવ વીડિયોના આધારે સેનાના જવાનોએ રણનીતિ બનાવીને ત્રણેય આતંકવાદીઓને એક પછી એક ઠાર માર્યા હતા.
આ ત્રણેય આતંકવાદીઓ એક મકાનની પાછળ છુપાયા હતા અને અંધારાની રાહ જોઈ રહ્યાં હતા. જેથી તેઓ ભાગવામાં સફળ રહે, પરંતુ ડ્રોનના ફુટેજના આધારે સેનાના જવાને તેમને ચારેય તરફથી ગેરી લઈને ઠાર કર્યાં હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી ડો, એસ.પી.વૈદએ આ ઓપરેશનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, એન્કાઉન્ટર જેવા ઓપરેશનમાં ટેક્નોલોજી ઘણી મદદગાર સાબિત થાય છે. તેમજ સેનાના જવાનોને પણ ઓછુ નુકશાન થાય છે. આ ટેકનોલોજીથી સેનાને ચોક્કસ ટાર્ગેટને જ નિશાન બનાવવાનું હોય છે.
(Photo-File)