જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકારે વ્યૂહાત્મક ચક્રવ્યુહ તૈયાર કર્યું
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. હાઈબ્રિડ આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતા કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. તેમજ આવી ઘટનાઓને અટકાવવા માટે ચક્રવ્યુહ તૈયાર કરવામાં આવ્યું છે. આતંકવાદનો સફાયો કરવા માટે બેસ્ટ પોલીસ કર્મચારીઓને સ્પેશિયલ તાલિમ આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટાર્ગેટ કિલીંગની ઘટનાઓને પગલે કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં અજીત ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ ઉપસ્થિત રહ્યાં હતા. ઉચ્ચસ્તરીય બેઠકમાં ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ‘સોફ્ટ ટાર્ગેટ’ કિલિંગને રોકવા માટે પોલીસ તંત્રને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અમિત શાહે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા અને આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓને લઈને વન-ટુ-વન બેઠક કરી છે. બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, એનએસએ અજીત ડોભાલ, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા અરવિંદ કુમાર, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના મહાનિર્દેશક કુલદીપ સિંહ, સીમા સુરક્ષા દળના વડા પંકજ સિંહ, જમ્મુ-કાશ્મીરના મહાનિર્દેશક સહિત મુખ્ય અધિકારીઓ સામેલ થયા હતા.
કેન્દ્ર સરકારે આતંકવાદીઓ સામે વ્યૂહાત્મક ચક્રવ્યુહ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે જમ્મુ-કાશ્મીરમાં સમગ્ર સુરક્ષા માળખાને બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. શ્રેષ્ઠ પોલીસ કર્મચારીઓની પસંદગી કરીને તેમને ટૂંકા સમયમાં વિશેષ તાલીમ આપવામાં આવે. જમ્મુ-કાશ્મીર પોલીસના આ વિશેષ જવાનોને પોલીસ સ્ટેશન સ્તરે એસએચઓ અને અન્ય મહત્વપૂર્ણ પદો પર તૈનાત કરવામાં આવશે.