જમ્મુ-કાશ્મીરમાં હાલ સ્થાનિક આતંકીઓની સંખ્યા 100થી નીચે, ડિસેમ્બરમાં 24 આતંકવાદી ઠાર મરાયા
દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 100થી નીચે પહોંચી ગઈ છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઘાટીમાં સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 100થી ઓછી હોય અને વિદેશી આતંકવાદીઓમાં પણ ઘટાડો થયો છે. તેમ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો પ્રથમ વખત 200 ના આંકને તોડવામાં સફળ થયા છે.
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું, “અમે કાશ્મીરમાં 200 આતંકવાદીઓના નિશાનને તોડવામાં સક્ષમ રહ્યાં છીએ, આ આંકડો ઘટીને 180 પર આવી ગયો છે. ઈતિહાસમાં પહેલીવાર સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 100થી ઓછી થઈ ગઈ છે. ગઈકાલના એન્કાઉન્ટર પછી આંકડો 85-86 છે. તેથી આપણે કહી શકીએ કે આતંકવાદ ઘટી રહ્યો છે.”
વિજય કુમારે કહ્યું કે, ડિસેમ્બરમાં 24 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જેમાંથી 5 પાકિસ્તાની છે. અમે 2 યુએસ નિર્મિત M4 કાર્બાઈન રાઈફલ્સ, 15 AK47, 24 થી વધુ પિસ્તોલ, ગ્રેનેડ, IEDs જપ્ત કર્યો હતો. જેમાં પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સંડોવણી સામે આવી છે. સુરક્ષા દળો અને ગુપ્તચર તંત્ર એલર્ટ પર છે. આ વર્ષે 128 સ્થાનિક આતંકવાદીઓ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા હતા. જેમાંથી 73 આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં હતા અને 16ની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષની સરખામણીમાં સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું હતું કે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં બે ઓપરેશનમાં છ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમોએ કુલગામના મિરહામા અને અનંતનાગ જિલ્લામાં ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે જણાવ્યું કે છ આતંકવાદીઓ પૈકી બે વિદેશી આતંકવાદીઓ પણ સામેલ છે. અત્યાર સુધીમાં બે સ્થાનિક આતંકવાદીઓની પણ ઓળખ કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર) વિજય કુમારે આતંકવાદીઓના ખાત્માને સુરક્ષા દળો માટે મોટી સફળતા ગણાવી હતી. તેમણે કહ્યું, “પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે સ્થાનિક આતંકવાદીઓ અને એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.”