નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. પ્રારંભીક વલણમાં જ ઈન્ડી ગઠબંધનને મજબુતી જોવા મળી હતી. જ્યારે ભાજપ પણ સારુ પ્રદર્શન કરતી જોવા મળી હતી. કેન્દ્રશાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર થયા બાદ પ્રથમવાર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં હાલના આંકડા અનુસાર જેકેએનસી 39 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 8 બેઠકો ઉપર આગળ છે. જેકેએનસી અને કોંગ્રેસ વચ્ચે બઠબંધન હોવાથી બંનેને હાલની સ્થિતિએ બહુમતી મળતી જોવા મળી રહી છે. જો કે, ભાજપા 28, પીડીપી 3. જેપીસી 2, સીપીઆઈ(એમ) અને ડીપીએપી એક-એક તથા અપક્ષો આઠ બેઠકો સાથે આગળ ચાલી રહ્યાં છે. જો કે, ગણતરીના અંતે કંઈ રાજકીય પાર્ટી સરકાર બનાવે છે તે જાણી શકાશે. જો કે, હાલના પ્રારંભીક વલણમાં ઈન્ડી ગઠબંધન આગળ હોવાથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હાલની સ્થિતિએ આ ચૂંટણીમાં મહેબુબા મુફ્તિની પાર્ટી પીડીપીને ભારે નુકશાન થતું જોવા મળી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યાં બાદ પ્રથમવાર શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 3 તબક્કામાં મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના નેતાઓએ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.