Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને નડ્યો અકસ્માત, 2ના મોત

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. દરમિયાન રિયાસી વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં બે કર્મચારીઓના મોત થયાનું જાણવા મળે છે.

જમ્મુ-કાશ્મીરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં રિયાસીમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે કર્મચારીઓના મોત થયા હતા. જ્યારે એક કર્મચારી ઘાયલ થયો હતો. ડીસી રિયાસીના જણાવ્યા અનુસાર, “જમ્મુ અને કાશ્મીરના રિયાસીના ગુલાબગઢ વિસ્તારમાં ટકસન પાસે ચૂંટણી ફરજ પરના વાહનને અકસ્માત નડતાં બે લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો.”

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના છ જિલ્લાઓની 26 વિધાનસભા બેઠકો માટે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે મતદાન થશે. કંગન (ST), ગાંદરબલ, હઝરતબાલ, ખાનયાર, હબ્બકાદલ, લાલ ચોક, ચન્નાપોરા, જડીબલ, ઈદગાહ, સેન્ટ્રલ શાલટેંગ, બડગામ, બીરવાહ, ખાનસાહિબ, ચરાર-એ-શરીફ, ચદૂરા અને ગુલાબગઢ (ST) બેઠકો પર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રિયાસી, શ્રી માતા વૈષ્ણો દેવી, કાલાકોટ-સુંદરબની, નૌશેરા, રાજૌરી (ST), બુધલ (ST), થન્નામંડી (ST), સુરનકોટ (ST), પૂંચ હવેલી અને મેંધર (ST) પર પણ મતદાન થશે.