જમ્મુ-કાશ્મીર:શોપિયાંમાં એન્કાઉન્ટર, લશ્કરનો આતંકવાદી માર્યો ગયો, AK 47 સહિતના હથિયારો મળી આવ્યા
શ્રીનગર:રવિવારે સવારે કાશ્મીર વિભાગના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.પોલીસે જણાવ્યું કે,જિલ્લાના બસકુચન વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.પોલીસ અને સુરક્ષા દળના જવાનો સ્થળ પર તૈનાત છે.સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસકુચન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.જ્યારે સુરક્ષાદળો આ વિસ્તારમાં સર્ચ કરી રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો.જે બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી.
ADGP કાશ્મીરે કહ્યું કે,માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ નસીર અહેમદ ભટ તરીકે થઈ છે. તે નૌપોરા બાસ્કુચાન શોપિયાંનો રહેવાસી હતો અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.પોલીસે તેની પાસેથી હથિયારો અને દારૂગોળો એકે 47 રાઈફલ સહિતની ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે.તે અનેક આતંકી ગુનાઓમાં સામેલ હતો અને તાજેતરમાં જ એક એન્કાઉન્ટરમાંથી ભાગી ગયો હતો.